મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

રિયલ એસ્ટેટને કોરોનાનો ડંખ

બીજી લહેરમાં ૯૫%એ મકાન ખરીદવાનો નિર્ણય ટાળ્યો

૯૮ ટકા ડેવલપર્સે માન્યુ છે કે ગ્રાહકોની પૂછપરછમાં મોટો ઘટાડો આવ્યો : ૨૦ ટકા સુધી વધી શકે છે મકાનોના ભાવ : નિર્માણનો ખર્ચ પહેલા કરતા ૧૫ ટકા વધ્યો છે

નવી દિલ્હી,તા. ૧૧: રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈએ ગઇ કાલે જણાવ્યું કે સંક્રમણના કારણે ૯૫ ટકા ગ્રાહકોએ મકાન ખરીદવાનો પ્લાન ટાળી દીધો છે.

કોરોના મહામારીની બીજી લહેરને રિયલ એસ્ટેટ સેકટર પર ગત વર્ષથી વધારે અસર પડે છે. રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈએ ગુરુવારે જણાવ્યું કે સંક્રમણના કારણે ૯૫ ટકા ગ્રાહકોએ મકાન ખરીદવાનો પ્લાન ટાળી દીધો છે. એપ્રિલ બાદથી વેચાણ અને નવી પરિયોજનાઓમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.  રિયલ એસ્ટેટ સેકટરની ૧૩ હજાર કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન ક્રેડાઈના અનુસાર ૯૫ ટકા બિલ્ડરોએ લોકડાઉનના કારણે પ્રોજેકટમાં મોડું થવાની આશંકા વ્યકત કરી છે.

ક્રેડાઈના અધ્યક્ષ હર્ષવર્ધન પટોદિયાએ કહ્યુ કે મજૂરોની અછત, અપ્રૂવલમાં મોડુ અને કાચા માલના સપ્લાયમાં સમસ્યા હોવાના કારણે મોટા ભાગના નિર્માણ અટકી ગયા છે. ૯૮ ટકા ડેવલપર્સે માન્યુ છે કે ગ્રાહકોની પૂછપરછમાં મોટો ઘટાડો આવ્યો છે.

ક્રેડાઈએ અનુમાન વ્યકત કર્યુ છે કે સ્ટીલ, સિમેન્ટ વગેરેના ભાવ વધવાથી મકાનોના નિર્માણના ખર્ચમાં વધારો થયો છે. આ કારણે આવનારા કેટલાક સમયમાં મકાનોની કિંમતમાં ૧૦-૨૦ ટકા વધારો જોવા મળી રહ્યો છે.

પટોદિયાએ કહ્યુ કે મકાનના ભાવ વધવાનો મતલબ એ નથી કે બિલ્ડરોની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે નિર્માણનો ખર્ચ પહેલા કરતા ૧૫ ટકા વધ્યો છે. સ્ટીલ સીમેન્ટના ભાવ ગત કેટલાક અઠવાડિયામાં ૫૦ ટકા સુધી વધ્યા છે.  તેવામાં સેકટરમાં દબાણમાંથી નિકળવા  માટે રાહત પેકેજની જરૂર છે.

(10:32 am IST)