મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

લોકડાઉન ખુલવાથી પાછા આવી શકે છે ૧.૭ કરોડ રોજગાર

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ખતમ થયા ૩.૬૮ કરોડ બિન કૃષિ રોજગાર

નવી દિલ્હી તા. ૧૧ :.. કોરોના સંક્રમણના કેસો ઘટવાની સાથે દેશભરમાં લોકડાઉન સમાપ્ત કરવાની પણ શરૂઆત થઇ ચૂકી છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડીયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ દાવો કર્યો છે કે તબકકાવાર રીતે લોકડાઉન હટાવવાથી અસંગઠીત ક્ષેત્રમાં લગભગ ૧.૭ કરોડ રોજગાર પાછા આવી શકે છે. આ આંકડો મે મહિનામાં લાગેલા લોકડાઉનથી સંગઠીત અને બિનસંગઠીત એમ બન્ને ક્ષેત્રમાં બેરોજગાર બનેલા ર.પ કરોડ લોકોના લગભગ ૬૬ ટકા જેટલો છે.

સીએમઆઇઇએ જણાવ્યું કે લોકડાઉન ખતમ થવાથી અસંગઠીત ક્ષેત્રના રોજગારમાં ઝડપથી સુધારો આવશે. જાન્યુઆરી ર૦ર૧ પછીથી આ ક્ષેત્રમાં બિનકૃષિ રોજગારની સંખ્યામાં ૩.૬૮ કરોડનો ઘટાડો થયો છે. તેમાંથી ર.૩૧ કરોડ રોજમદાર મજૂરો, ૮પ લાખ પગારદાર અને બાકીના નાના ધંધાર્થીઓ છે.

ફકત મે મહિનામાં જ ૧.૭ કરોડ રોજમદાર, હોકર્સ અને નાના ધંધાર્થીઓએ રોજગાર ગુમાવ્યો જેનું કારણ લોકડાઉન હતું. સંપૂર્ણપણે અનલોક થયા પછી તેઓ ફરીથી કામ પર જવાની પૂરી આશા છે. જો રોજગારનો વૃધ્ધિદર ર૦૧૯-ર૦ ના સ્તરે પહોંચી જશે તો ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપભેર સુધારો આવશે.

આ વર્ષે જાન્યુઆરીમાં આર્થિક ગતિવિધીઓમાં આવેલ તેજીથી રોજગારના મોરચે પણ વધારો જોવા મળ્યો. એ દરમ્યાન કુલ રોજગારની સંખ્યા ૪૦.૦૭ કરોડે પહોંચી ગઇ પણ ત્યાર પછી ઘટાડાનો સીલસીલો ચાલુ થઇ ગયો. ફકત અસંગઠીત ક્ષેત્રમાં જ ફેબ્રુઆરીમાં રપ લાખ, માર્ચમાં ૧ લાખ, એપ્રિલમાં ૭૪ લાખ અને મે માં ૧.પ૩ કરોડ રોજગાર ઘટી ગયા. આમ જ મહિનામાં ર.પ૩ કરોડ રોજગાર ઘટયા. જૂનમાં પણ હજુ રાહત નથી મળી ૬ જૂને સમાપ્ત થયેલ. સપ્તાહમાં બેરોજગારી દર વધીને ૧૩ ટકાએ પહોંચી ગયો જે મે માં ૧૧.૯ ટકા હતો.

(11:43 am IST)