મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

હવે મકાન ખરીદવું થશે મોંઘુ : સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારાથી ઘરની કિંમત વધવા સંભવ :ક્રેડાઇ

બાંધકામના ખર્ચમાં 10-20 ટકાનો વધારો: ડેવલપર્સ ઘરની કિંમતમાં વધારો કરવા મજબૂર

નવી દિલ્હી : રીઅલ એસ્ટેટ ડેવલપર્સની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇએ જણાવ્યું હતું કે સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારાથી આગામી સમયમાં ઘરના ભાવમાં વધારો થઈ શકે છે. ક્રેડાઇએ જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલના ખર્ચને કારણે બાંધકામના ખર્ચમાં 10-20 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિને લીધે, આવાસની કિંમતમાં મધ્યમથી લાંબા ગાળા સુધી વધારો થવાની સંભાવના છે.

ક્રેડાઇના ચેરમેન સતીષ મગરે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોવિડ -19 ની બીજી લહેરને કારણે, એપ્રિલથી મકાનોના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. જોકે, તેમણે અગાઉના ક્વાર્ટરની તુલનામાં એપ્રિલ-જૂન દરમિયાન અપેક્ષિત આવાસોના વેચાણમાં ઘટાડા અંગે કોઈ માહિતી આપી નથી

 

ક્રેડાઇના અધ્યક્ષ હર્ષ વર્ધન પાટોડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં ભારે વધારો થયો છે. તેથી મધ્યમથી લાંબા ગાળાના મકાનોના ભાવોમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે ડેવલપર્સ કિંમતમાં વધારો કરવા મજબૂર છે, કારણ કે તેઓ બાંધકામના ખર્ચમાં થયેલા વધારાને પોતે વહન કરે તેવી સ્થિતિમાં નથી. એસોસિએશન દ્વારા સિમેન્ટ અને સ્ટીલની કિંમતોને અંકુશમાં લેવા આ વિશે ઘણી વખત સરકારને પત્ર લખ્યો છે. ભારતના કોમ્પિટિશન કમિશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

ક્રેડાઇના જણાવ્યા મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના 90 ટકા લોકો માને છે કે કોવિડ -19 ની બીજી લહેર પ્રથમ લહેર કરતા તેમના વ્યવસાય માટે વધુ 'વિનાશક' રહી છે. ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા આવાસના વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સને પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય છે

(1:07 pm IST)