મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

પશ્ચિમ બંગાળમાં ભાજપને લાગશે મોટો ઝટકો : મુકુલ રોય દીકરા સાથે કરશે ઘરવાપસી : કાલે મમતાદીદી સાથે બેઠક

શુભેંદુ અધિકારીનું કદ વધવાથી મુકુલ રોય અકળાયા હોવાની ચર્ચા : મુકુલ રોય TMC છોડીને BJPમાં જનારા પહેલા નેતા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝાટકો લાગવાનો છે. બીજેપીના મોટા નેતા મુકુલ રૉય પોતાના દીકરા શુભ્રાંશુ સાથે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)માં પાછા જઇ શકે છે. મુકુલ રૉય આજે સાંજે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પાર્ટી મુખ્યમથકમાં મળી શકે છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહી શકે છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને મળેલી મોટી જીત બાદ અનેક જૂના સહયોગી ટીએમસીમાં પાછા આવવા ઇચ્છે છે. આમાં મુકુલ રૉયનું નામ સૌથી ઉપર હતુ.

મુકુલ રૉય, બીજેપીમાં શુભેંદુ અધિકારીના વધતા કદથી અકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે તેઓ પોતાની જૂની પાર્ટીમાં પાછા જવા ઇચ્છે છે. ચૂંટણી પરિણામો બાદ જ મુકુલ રૉય ફરીથી ટીએમસીમાં પાછા જવા ઇચ્છતા હતા. ટીએમસી નેતા સૌગત રૉયે કહ્યું હતુ કે, એવા અનેક લોકો છે કે જે અભિષેક બેનર્જીના સંપર્કમાં છે અને પાછા આવવા ઇચ્છે છે. મને લાગે છે કે પાર્ટી છોડીને પાછા જનારાઓને 2 કેટેગરીમાં વહેંચવામાં આવી શકે છે, આ છે- સૉફ્ટલાઇનર અને હાર્ડલાઇનર. સૉફ્ટલાઇનર એ છે જેમણે પાર્ટી તો છોડી, પરંતુ મમતા બેનર્જીનું અપમાન નથી કર્યું. હાર્ડલાઇનર એ છે, જેમણે મમતા બેનર્જી વિશે સાર્વજનિક રીતે નિવેદન આપ્યું. મુકુલ રૉયે મમતા બેનર્જી પર વ્યક્તિગત રીતે કોઈ આરોપ નહોતો લગાવ્યો. તેમને સૉફ્ટ લાઇનર માનવામાં આવે છે.

ક્યારેક મમતા બેનર્જીના નજીકના રહેલા રૉય પાર્ટી છોડનારા પહેલા નેતા હતા. તેમણે 2017માં પાર્ટી બદલી દીધી હતી. રિપોર્ટ પ્રમાણે, ત્યારબાદના વર્ષોમાં તેમણે અનેક ટીએમસી ધારાસભ્યો અને નેતાઓને વફાદારી બદલવા પર રાજી કર્યા. સમાચાર છે કે 35 નેતા સત્તાધારી પક્ષની સાથે પાછા જવા માંગે છે. મુકુલ રૉયની ટીએમસીમાં ઘર વાપસીની અટકળો ત્યારે શરૂ થઈ ગઈ હતી, જ્યારે અભિષેક બેનર્જી હૉસ્પિટલમાં ભરતી રૉયની પત્નીના ખબર-અંતર પૂછવા ગયા હતા.

રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીજા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ રૉયની સાથે ફોન પર વાતચીત કરી હતી. બીજેપી નેતાઓનું કહેવું છે રૉયની પત્નીના જલદી સ્વસ્થ થવાને લઇને કૉલ હતો, જ્યારે ટીએમસી નેતાઓનું માનવું છે કે આ બીજેપી નેતાઓને એક સાથે રાખવાનો પ્રયત્ન છે. તાજેતરમાં જ અનેક બીજેપી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ નેતાઓમાં અધિકારીનું નામ પણ સામેલ હતુ

(2:09 pm IST)