મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirXને ઇડીએ શોકોઝ નોટીસ ફટકારી : 2790 કરોડના ટ્રાન્જેક્શનમાં ગેરરીતિનો આરોપ

ચીની નાગરિકોએ ભારતીય રુપિયામાં ક્રિપ્ટોકરન્સી ટેથરને બદલીને તેને બિનાન્સ (કેમેન દ્વિપમાં રજિસ્ટર્ડ એક્સચેન્જ)માં ટ્રાન્સફર કરી દીધા

નવી દિલ્હી: પ્રવર્તન નિર્દેશાલય (ED)એ શુક્રવારે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX વિરુદ્ધ FEMAના ઉલ્લંઘનના આરોપ હેઠળ કારણબતાવો નોટિસ ફટકારી છે. EDએ ટ્વીટમાં જણાવ્યું છે કે, EDએ 2790.74 કરોડ રૂપિયાના ટ્રાન્જક્શન મામલે WazirX વિરુદ્ધ શૉકોઝ નોટિસ જારી કરી છે. આ નોટિસ FEMA-1999 અંતર્ગત આપવામાં આવી છે. WazirX ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે, જે યુઝર્સને બિટકૉઈ, ઈથેરિયમ સહિત કેટલીક અન્ય ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ કરવાની સુવિધા પૂરી પાડે છે. Cryptocurrency Exchange

EDની નોટિસમાં WazirX ના ડિરેક્ટરો નિશ્ચલ શેટ્ટી અને હનુમાન મ્હાત્રેનું નામ છે. ED તરફથી તપાસ પૂરી થયા બાદ આ લોકો વિરુદ્ધ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. EDના નિવેદન અનુસાર, ચીની કંપનીઓ તરફથી ચલાવવામાં આવી રહેલ ઓનલાઈન સટ્ટા એપની તપાસ દરમિયાન WazirXના ટ્રાન્જેક્શન વિશે જાણવા મળ્યું હતું. આ તપાસ મની લોન્ડ્રીંગ સાથે સંકળાયેલી હતી. Cryptocurrency Exchange

EDએ નોટિસમાં કહ્યું કે, ચીની નાગરિકોએ ભારતીય રુપિયામાં ક્રિપ્ટોકરન્સી ટેથરને બદલીને તેને બિનાન્સ (કેમેન દ્વિપમાં રજિસ્ટર્ડ એક્સચેન્જ)માં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ટ્રાન્જેક્શનને 57 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સીમાં બદલવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, WazirX ના યુઝર્સને પુલ એકાઉન્ટ થકી 880 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી બિનાન્સ એકાઉન્ટથી રિસિવ કરી અને પછી 1400 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી તેમના એકાઉન્ટમાં નાંખી દીધા

તપાસ એજન્સીનું કહેવું છે કે, WazirX પોતાના ગ્રાહકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ નથી લેતું. જે કાયદાનું ઉલ્લંઘન છે. આ મની લોન્ડ્રિંગના કાયદાનું પણ ઉલ્લંઘન છે. FEMA ગાઈડલાઈન્સ અને ફાઈનાન્સિંગ ઑફ ટેરરિઝમ (FTA) વિરોધી આદેશોની પણ અવગણના કરવામાં આવી છે. EDનું કહેવું છે કે, આમાંથી એક પણ ટ્રાન્જક્શન બ્લોકચેન પર ઉપલબ્ધ નથી, જેથી તેની તપાસ કે ઑડિટ થઈ શકે. 

તપાસમાં સામે આવ્યું છે કે, WazirX અતિ કિંમતી ક્રિપ્ટોકરન્સીને કોઈના પણ ખાતામાંથી કોઈના પણ ખાતામાં કોઈ ડૉક્યુમેન્ટ વિના મોકલી શકે છે. આ માટે તે વ્યક્તિની નાગરિક્તા કે લોકેશનની જરૂર નથી પડતી. આ પ્રકારે તે મની લોન્ડ્રિંગ કરનારા લોકો માટે સ્વર્ગની સીડી બની શકે છે.

બીજી તરફ EDની નોટિસને લઈને WazirXના CEO નિશ્ચલ શેટ્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, WazirXના પ્લેટફોર્મ પર તમામ યુઝર્સના સત્તાવાર ઓળખ પત્ર થકી ઓળખ કરી શકાય છે. એક વખત અમને ED તરફથી સત્તાવાર નોટિસ મળી જાય, અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું

(11:30 pm IST)