મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

મ્યાંમારમાં લશ્કરી બળવા બાદ ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં હજારોની ઘૂસણખોરી: સુરક્ષાદળો હાઈએલર્ટ

મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં મ્યાંમારના લગભગ ૧૬ હજાર લોકોને આશ્રય અપાયો

નવી દિલ્હી :મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તે પછી અરાજકતાનો માહોલ સર્જાયો છે. તેની અસર ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં થઈ છે. પૂર્વોત્તરના રાજ્યોમાં મ્યાંમારના હજારો નાગરિકો ઘૂસી ગયા છે.

મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં મ્યાંમારના લગભગ ૧૬ હજાર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. દિવસે દિવસે ઘૂસણખોરી વધવા લાગતા આ રાજ્યોના સુરક્ષાદળોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.
મિઝોરમમાં તો મ્યાંમારથી સૌથી વધુ લોકો આવી ગયા છે. તેના કારણે સ્થાનિક લેવલે પણ કટોકટી સર્જાઈ શકે છે. મ્યાંમાર લશ્કરના સલાહકારને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે ભારતના રાજ્યોમાં ઘણાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે, પરંતુ ફરીથી એમાંથી ઘણાં પાછા ફરી ગયા છે. મ્યાંમારમાં ફેબ્રુઆરી માસમાં લશ્કરી બળવો થયો હતો. લશ્કરી બળવા વખતે મ્યાંમારના શાસક આંગ સાન સૂકી અને તે સિવાયના ટોચના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતાં.
ભારત-મ્યાંમાર વચ્ચે ૧૬૦૦ કિલોમીટરની લાંબી સરહદ છે. આ સરહદી વિસ્તારોમાં મ્યાંમારની સરકારનો વિરોધ કરનારા લોકો રહે છે. એમાંથી ઘણાં મ્યાંમારના નાગરિકો ડ્રગ્સની ઘૂસણખોરીમાં પણ પકડાતા રહે છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં મ્યાંમારના નાગરિકોની ઘૂસણખોરી ચિંતાનો વિષય બન્યો છે. મ્યાંમારમાંથી ભાગીને ભારતમાં આવતા લોકોને રોકવા માટે પૂર્વોત્તરના રાજ્યોની સરકારોને અને સુરક્ષાદળોને હાઈએલર્ટ કરવામાં આવી છે.
સ્થાનિક લોકોને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલો પ્રમાણે જંગલના વિસ્તારોમાં અસંખ્ય લોકો ગેરકાયદે રીતે શિબિરો બનાવીને રહેવા લાગતા સ્થાનિક વિસ્તારોમાં અન્ન-શાકભાજી જેવી ચીજવસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. આ સ્થિતિ નિવારવા માટે સ્થાનિક લોકોએ આવી શિબિરો બંધ કરાવવાની માગણી પણ કરી છે.

(12:52 am IST)