મુખ્ય સમાચાર
News of Saturday, 11th June 2022

ધો.૧૨ની પરિક્ષા એક સાથે પાસ કરતા સસરા, વહુ અને દિયર

વહુ કરતાં સસરાએ વધારે ટકા મેળવ્‍યા

મુંબઇ,તા. ૧૧ : મહારાષ્‍ટ્રમાં બારમાનું પરિણામ બુધવારે જાહેર થયું છે. જેમાં કોંકણ વિભાગ અગ્રેસર રહ્યુ છે. જો કે આ પરિણામ બાબતે પરીક્ષાર્થીઓની વિવિધ રોચક વાતો સામે આવી રહી છે. ત્‍યારે આ પરીક્ષામાં ત્ર્યંબકેશ્વર તાલુકાના દેહાડે પરિવારે પણ આગવી ઘટના નોંધાવી છે. જ્‍યાં દેહાડે પરિવારની વહુ તેના સસરા અને દિયર ત્રણેય જણે એક સાથે એચએસસીની પરીક્ષા પાસ કરી છે.

દેહાડે પરિવાર નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકાના આવટેમાં રહે છે. આ પરિવારમાં કુલ પાંચ જણ છે. જેમાં કુટુંબ પ્રમુખ લક્ષ્મણ દસમું પાસ છે તો તેમનો એક દિકરો બીએસસી થયેલો છે. તો એક દીકરો બારમામાં છે. તેના મોટા દિકરાના લગ્ન થોડા સમય પહેલા જ થયાં છે. જેની પત્‍ની દસમું પાસ હતી. જો કે તેણે પણ ઉચ્‍ચ શિક્ષણ લેવું એવી તેની પરિવારજનોની ઇચ્‍છા હતી.

આથી વહુ અને દિકરો બંને એચએસસી આપી રહ્યા હોવાથી સસરાને પણ પોતાનું અધુરૂં શિક્ષણ પુરૂં કરવાની ઇચ્‍છા થઇ અને તેમણે પણ બારમાં માટે અરજી કરી. પરિવારના ત્રણેય જણે એક સાથે પરીક્ષા આપી.જેમાં વહુ ઋતિકાએ ૫૦ ટકા, સસરા લક્ષ્મણે ૬૪.૫૦ ટકા તો દિયર સમીરે ૬૪ ટકા પ્રાપ્‍ત કર્યા છે. આ રીઝલ્‍ટથી દેહાડે પરિવારમાં આનંદનું વાતાવરણ હોઇ સર્વત્રઆ બાબતે ઉત્‍સુકતાભેર ચર્ચા થઇ રહી છે.

(3:52 pm IST)