મુખ્ય સમાચાર
News of Saturday, 11th June 2022

કાશ્મીરી યૂટ્યૂબર ફૈસલ વાનીની ધરપકડ કરાઈ

નૂપુર શર્મા વિરુદ્ધ પોસ્ટ કર્યો હતો વિવાદિત વીડિયો : યૂટ્યૂબરે વીડિયો ઓનલાઇન પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે નૂપુર શર્માના પુતળાનું માથુ કાપતું દેખાડવામાં આવ્યું હતું

શ્રીનગર, તા.૧૧ : ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા  નૂપુર શર્મા વિરુદ્ધ વિવાદિત વીડિયો પોસ્ટ કરનાર કાશ્મીરી યૂટ્યૂબર ફૈસલ વાનીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ફૈસલે યૂટ્યૂબ પર નૂપુર શર્મા વિરુદ્ધ વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આરોપી ફૈસલ વિરુદ્ધ શ્રીનગરના સફા કદલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૫૦૫ અને ૫૦૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે યૂટ્યૂબરે ડિજિટલ રૂપે બનાવેલો એક ગ્રાફિક વીડિયો ઓનલાઇન પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના પુતળાનું માથુ કાપતું દેખાડવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ શનિવારે તેણે માફી પણ માંગી છે. ફૈસલ વાનીએ આજે તેની ચેનલ પર પોસ્ટ વીડિયોમાં કહ્યું કે મેં નૂપુર શર્મા વિશે એકવીએફએક્સ વીડિયો બનાવ્યો, જે ભારતભરમાં વાયરલ થઈ ગયો. મારા જેવો એક નિર્દોષ વ્યક્તિ વિવાદમાં ફસાય ગયો.

વિવાદ વધતા યૂટ્યૂબરે પોતાના માફી વીડિયોમાં કહ્યું કે મારો ઈદારો કોઈની ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાનો નથી. તેણે કહ્યું કે નૂપુર શર્માનો વિવાદિત વીડિયો હટાવી દીધો છે. તેણે કહ્યું કે મને આશા છે કે તમે બીજા વીડિયોની જેમ આ વીડિયોને પણ વાયરલ કરી દેશો. તેથી બધાને ખ્યાલ આવી જશે કે તને તમારા માટે દુખ છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એક ટીવી ડિબેટમાં પયગંબર પર વિવાદિત નિવેદન આપનાર નૂપુર શર્માને ભાજપે સસ્પેન્ડ કરી દીધી હતી. તો દિલ્હી ભાજપ મીડિયા યુનિટના પ્રમુખ નવીન જિંદલને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ દેશના ઘણા રાજ્યોમાં હિંસા જોવા મળી હતી.

આ વિવાદ બાદ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ અનેક ખાડી દેશોએ મોર્ચો ખોલી દીધો અને તેની માફીની માંગ કરી હતી.

દેશમાં પણ ઘણી જગ્યાએ નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.

 

 

(7:55 pm IST)