મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

હત્‍યા-યૌન શોષણના કેસમાં જેલમાં બંધ રામ રહીમનો ‘જાદુ': એક સાથે આવી હજારો-લાખો પોસ્‍ટઃ તંત્ર ઉંધામાથે

જ્‍યારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્‍યારે લગભગ ૧૦ થી ૧૫ દિવસ સુધી રોહતકની સુનારિયા જેલમાં ગુરમીત રામ રહીમના નામ પર ટપાલ આવતી રહે છે

નવી દિલ્‍હી,તા. ૧૧ : હત્‍યા અને યૌન શોષણના કેસમાં સજા પામેલા ગુરમીત રામ રહીમ માટે ફરી એકવાર રોહતકની સુનારિયા જેલમાં રાખડી પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૫ વર્ષથી સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલા રામ રહીમ માટે રાખડીઓ સાથે મોટી સંખ્‍યામાં શુભેચ્‍છા કાર્ડ પણ આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ક્‍યારેક પેરોલના નામે, ક્‍યારેક ફરલોના નામે તો ક્‍યારેક સારવારના નામે રામ રહીમ જેલમાંથી બહાર આવતા રહ્યાં છે, જેના કારણે તેના અનુયાયીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળતો હોય છે.

દર વર્ષે રક્ષાબંધનના પર્વ પર રામ રહીમના અનુયાયીઓ તેમને હજારો ગ્રેટિંગ કાર્ડ અને રાખડીઓ પણ મોકલે છે. આ ટ્રેન્‍ડ છેલ્લા ૪ વર્ષથી સતત ચાલી રહ્યો છે. જયારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્‍યારે લગભગ ૧૦થી ૧૫ દિવસ સુધી રોહતકની સુનારિયા જેલમાં ગુરમીત રામ રહીમના નામ પર ટપાલ આવતી રહે છે. ગુરમીત રામ રહીમના નામની હજારો રાખડીઓ અને શુભેચ્‍છા કાર્ડ છેલ્લા ઘણા દિવસોથી સુનારિયા પોલીસ ટ્રેનિંગ સેન્‍ટરની પોસ્‍ટ ઓફિસમાં આવી રહ્યાં છે.

એટલી બધી ટપાલ આવે છે કે ટપાલ કર્મચારીઓને રોહતકની મુખ્‍ય પોસ્‍ટ ઓફિસથી સુનારિયાની પોસ્‍ટ ઓફિસ સુધી ટપાલ લાવવા માટે ઓટો ભાડે લેવી પડે છે. રામ રહીમના નામના મેલ બોરીઓમાં લાવવા પડે છે. પોસ્‍ટલ કર્મચારી અજમેર સિંહે જણાવ્‍યું કે છેલ્લા ૪ વર્ષથી આવી જ સ્‍થિતિ સર્જાઈ છે. આ વર્ષે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે અને રામ રહીમના નામે મોટી સંખ્‍યામાં ગ્રીટિંગ કાર્ડ અને રાખડીના લેટર આવી રહ્યાં છે.

અજમેર સિંહે જણાવ્‍યું કે રક્ષાબંધનનો તહેવાર પત્‍યા બાદ પણ ૧૦-૧૫ દિવસ સુધી ટપાલ આવતી રહે છે, જેમાં મોટાભાગે રાખડીઓ અને ગ્રીટિંગ કાર્ડ હોય છે, જેને તેઓ અલગ કરીને રોહતક જેલ વિભાગને મોકલે છે. માત્ર હરિયાણા જ નહિ પરંતુ દેશના અલગ-અલગ ભાગોમાંથી પણ અહીં રામ રહીમના નામે ટપાલો આવે છે.

(10:42 am IST)