મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

આગામી વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે:વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં (2જી) ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

આગામી વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે:

નવી દિલ્હીઃ વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં (2જી) ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, હરદીપ સિંહ પુરી, રામેશ્વર તેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈથેનોલ પ્લાન્ટને માત્ર એક શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે આ પ્લાન્ટથી દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં પ્રદૂષણ ઓછું થશે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ માં હરિયાણાની પુત્રીઓ અને પુત્રો દ્વારા શાનદાર પ્રદર્શન કરવા બદલ હરિયાણાને અભિનંદન પણ આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા જેવા દેશમાં જે પ્રકૃતિની ઉપાસના કરે છે, ત્યાં જૈવિક-બળતણ એ પ્રકૃતિની સુરક્ષાનો પર્યાય છે. આપણા ખેડૂત ભાઈ-બહેનો આ વાત વધુ સારી રીતે સમજે છે. આપણા માટે જૈવિક-બળતણ એટલે હરિયાળું બળતણ, પર્યાવરણની બચત કરતું બળતણ. તેમણે જણાવ્યું હતું કે, આ આધુનિક પ્લાન્ટની સ્થાપના સાથે હરિયાણાના ખેડૂતો, જ્યાં ચોખા અને ઘઉંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, તેમને પાકના અવશેષોનો ઉપયોગ કરવા માટે વધુ એક આકર્ષક માધ્યમ મળશે.

પાણીપતનો બાયો-ફ્યૂઅલ પ્લાન્ટ પરાળને સળગાવ્યા વિના તેનો નિકાલ પણ કરી શકશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે ધરતી માતાને પરાળ સળગાવવાથી થતી પીડામાંથી મુક્તિ મળશે. બીજો ફાયદો એ થશે કે પરાળને કાપવાની અને તેના નિકાલ માટેની નવી પદ્ધતિઓ, પરિવહન માટેની નવી સગવડો અને નવાં જૈવિક-બળતણ પ્લાન્ટો આ બધાં જ ગામડાંઓમાં રોજગારીની નવી તકો લાવશે.

ત્રીજો ફાયદો એ થશે કે જે પરાળ ખેડૂતો માટે બોજારૂપ હતું, અને ચિંતાનું કારણ હતું, તે તેમના માટે વધારાની આવકનું સાધન બની જશે. ચોથો ફાયદો એ થશે કે પ્રદૂષણ ઓછું થશે, અને પર્યાવરણની સુરક્ષામાં ખેડૂતોનું યોગદાન વધુ વધશે. અને પાંચમો ફાયદો એ થશે કે દેશને વૈકલ્પિક ઇંધણ પણ મળશે. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ પ્રકારનાં પ્લાન્ટ્સ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં આકાર લઈ રહ્યાં છે.

કૃષિ પાકના અવશેષો માટે અંતિમ ઉપયોગનું સર્જન કરવાથી ખેડૂતો સશક્ત બનશે અને આવક પેદા કરવાની વધારાની તક પૂરી પાડશે. આ પ્રોજેક્ટ પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલા લોકોને સીધી રોજગારી પ્રદાન કરશે અને ચોખાની સ્ટ્રો કટિંગ, હેન્ડલિંગ, સ્ટોરેજ વગેરે માટે સપ્લાય ચેઇનમાં પરોક્ષ રીતે રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ હશે. ચોખાના ભૂસા (પરાલી)નાં દહનને ઘટાડીને આ પ્રોજેક્ટથી ગ્રીનહાઉસ વાયુઓમાં દર વર્ષે 3 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેને દેશના માર્ગો પર દર વર્ષે આશરે 63,000 કાર બદલવા સમકક્ષ ગણી શકાય.

(5:29 pm IST)