મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

લલન સિંહનાં RCP સિંહ પર જોરદાર શાબ્દિક હુમલા : કહ્યું- નીતીશ કુમારે તેમના પર આંખ મીંચીને વિશ્વાસ કર્યો પરંતુ તેમણે પીઠમાં ખંજર માર્યું

'અમને આવકવેરા વિભાગ, ઈડી, સીબીઆઈનો કોઈ ડર નથી, અમે કોઈ કંપની નથી ચલાવી રહ્યા' - લલન કુમાર

પટના, તા.11 : જેડીયુમાંથી આરસીપી સિંહના રાજીનામા બાદ બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મંગળવારે નીતિશ કુમારે સત્તાવાર રીતે NDA છોડી દીધું અને ફરી એકવાર મહાગઠબંધનનો હાથ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે આરસીપી સિંહ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા છે.

નીતીશ કુમારના ભાજપ સાથેનું ગઠબંધન તોડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં લલન સિંહે કહ્યું કે, જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સૌ કોઈ ખુશ છે. 2020માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને અમારા લોકોએ ભાજપને જીતાડ્યું હતું અને તેમણે જ અમને હરાવ્યા છે. તેઓ ગઠબંધન ધર્મનું પાલન નથી કરતા. અરૂણાચલ પ્રદેશમાં 6 ધારાસભ્યોને ફોડી લીધા.

લલન સિંહે ભાજપ પર નિશાન સાધીને કહ્યું કે, 2019માં તમારે વડાપ્રધાન બનવું હતું તો કોઈ ગરબડ ન થઈ પરંતુ 2020માં ષડયંત્ર શરૂ થઈ ગયું. નીતીશજીએ જેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેમને ભાજપે પોતાની ટીમમાં કરી લીધા. લોજપામાં એવા લોકોને ટિકિટ આપવામાં આવી જે ભાજપની સાથે હતા. સૌ ચૂંટણી હારી ગયા અને ભાજપમાં પાછા આવી ગયા.

લલન સિંહે ભાજપના નેતાઓ પર આક્ષેપ કરતાં કહ્યું કે, તેમણે આરજેડીના નેતાઓને ફોન કરીને કહ્યું કે, તમે આગળ વધી શકો છો પરંતુ 3-4 દિવસ રહી જાઓ. ભાજપે તેજસ્વી યાદવને થોડો સમય રાહ જોવા માટે કહ્યું. રાષ્ટ્રીય જનતા દળના નેતાઓને ફોનમાં નીતીશ કુમાર સાથે ગઠબંધન ન કરવા માટે કહેવામાં આવ્યું.

જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે જણાવ્યું કે, નીતીશ કુમાર મુખ્યમંત્રી બનવા નહોતા ઈચ્છતા પરંતુ તેમને બળજબરીથી CM બનાવાયા. ત્યાર બાદ ભાજપના અમુક નેતાઓ તેમના વિરૂદ્ધ ફાવે તેમ નિવેદનો આપતા રહ્યા.

વધુમાં કહ્યું કે, 2015માં નીતીશ કુમાર મહાગઠબંધનમાં જીત્યા હતા અને 2017માં જ્યારે NDAમાં ગયા ત્યારે જનમતનું અપમાન ન થયું પરંતુ આજે જનમતનું અપમાન થયું છે. મોંઘવારી વધી રહી છે. બેરોજગારી વધી રહી છે, 3 લાખ લોકોએ સેનાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમને નિયુક્તિ પત્ર નથી મળ્યા. આજે અગ્નિવીરને 4 વર્ષ માટે લેશે પછી ભવિષ્યમાં તેઓ શું કરશે. બિહારે આજે જે પણ વિકાસ કર્યો છે તે નીતીશ કુમારના કારણે થયો છે.

લલન સિંહે જણાવ્યું કે, નીતીશ કુમારે આરસીપી સિંહ પર આંખ મીંચીને વિશ્વાસ કર્યો પરંતુ તેમણે પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું છે. સુશીલ મોદી અંગે કશું નહીં બોલે, તેમને સજા મળી ગઈ છે. રવિશંકર પ્રસાદ આજકાલ બેરોજગાર છે. સંજય જાયસવાલ શું કહેશે? ગઠબંધન ધર્મનું અપમાન તો તેમણે કર્યું છે.

લલન સિંહે આગળ કહ્યું કે, નીતીશ કુમારે જેટલું સહન કરવાનું હતું તેટલું કર્યું. નીતીશ કદી પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહોતા. અમારા ધારાસભ્યોને કોઈ તોડી નહીં શકે. અમને આવકવેરા વિભાગ, ઈડી, સીબીઆઈનો કોઈ ડર નથી. અમે કોઈ કંપની નથી ચલાવી રહ્યા. તેઓ 2024 સુધી વડાપ્રધાન રહેશે કે નહીં તે અંગે શંકા છે કારણ કે બંગાળ અને બિહાર તેમનો સાથ નથી આપી રહ્યું.

 


 

(8:24 pm IST)