મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

દેશમાં મોદી મિત્રો અને ભાજપ સાથે જોડાયેલા લોકો જ સુરક્ષિત : પ્રિયંકા ગાંધી

યુપીની આગામી ચૂંટણી માટે વારાણસીથી પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ માટેના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

વારાણસી તા. ૧૧ : લખીમપુર હિંસા બાદ આક્રમક તેવરમાં દેખાઈ રહેલા પ્રિયંકા ગાંધીએ અહીંયા એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, લખીમપુરમાં કેન્દ્રના મંત્રીના પુત્રે ૬ ખેડૂતોને ગાડી નીચે કચડી નાંખ્યા હતા. આ તમામના પરિવારને પૈસા નહીં પણ ન્યાય જોઈએ છે અને સરકાર મંત્રી અને તેમના પુત્રને બચાવી રહી છે. આઝાદી પ્રદર્શન માટે લખનૌ આવેલા પીએમ મોદી બે કલાકના અંતરે આવેલા લખીમપુરમાં ખેડૂતોના પરિવારના આંસુ લુછવા માટે પણ આવ્યા નહોતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, છેલ્લા ૯ થી ૧૦ મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે અને ૬૦૦ થી વધારે ખેડૂતો શહીદ થયા છે. ખેડૂતો આંદોલન એટલે કરી રહ્યા છે કે, નવા કાયદાના કારણે તેમની જમીન અને ખેતી પીએમ મોદીના અબજોપતિ મિત્રો પાસે જતી રહેશે તેવુ તેઓ જાણે છે. હિમાચલમાં પીએમ મોદીના મિત્રોએ સફરજનની કિંમત ઘટાડી દીધી છે. એવુ આખા દેશમાં થશે.

તેમણે કહ્યુ કે, જયારે હું લોકો સાથે વાત કરૂ છું ત્યારે ખબર પડે છે કે,સમાજના તમામ લોકોને તકલીફો છે અને બધા હેરાન પરેશાન છે પણ મીડિયામાં દેખાડાય છે કે બધા સુરક્ષિત છે. હકીકતમાં આ દેશમાં બે જ પ્રકારના લોકો સુરક્ષિત છે. એક જે ભાજપ સાથે જોડાયેલા છે અને બીજા જે ભાજપના અબજોપતિ મિત્રો છે. બાકીના કોઈ સુરક્ષિત નથી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે, આ દેશ ભાજપના નેતાઓ કે પીએમની જાગીર નથી. આ દેશ જનતાનો છે અને દેશને જનતા જ બચાવી શકશે. તમારે જાગૃત બનવુ પડશે. કોંગ્રેસના કાર્યકરો કોઈનાથી ડરતા નથી. અમે જયાં સુધી ખેડૂતોની હત્યાના મામલામાં ગૃહ રાજય મંત્રી રાજીનામુ નહીં આપે ત્યાં સુધી લડતા રહીશું.

(10:03 am IST)