મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

વેકસીનના બે ડોઝ દુર કરે છે પોસ્ટ કોવિડ લક્ષણ

એમ્સ દ્વારા ૧૮૦૦ દર્દીઓ ઉપર થયો પ્રયોગ : બંને ડોઝ સંક્રમણથી તો બચાવે જ છે પણ પછીની બિમારીઓ સામે રક્ષણ આપે છે

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી આવતી તકલીફો એટલે કે પોસ્ટ કોવિદ બાબતે અત્યાર સુધીમાં કેટલાય મેડીકલ અભ્યાસ સામે આવી ચૂકયા છે પણ રસીકરણ અને પોસ્ટ કોવિદ લક્ષણો બાબતે પહેલીવાર નવી દિલ્હીની એમ્સએ માહિતી મેળવી છે. અત્યાર સુધી રસી રસી કોરોના સંક્રમણથી બચવા માટે અપાઇ રહી હતી પરંતુ હવે પોસ્ટ કોવિદ સ્થિતિથી બચવા માટે પણ રસીકરણ જરૂરી છે. એમ્સ અનુસાર રસીના બે ડોઝ આ લક્ષણો દૂર કરી શકે છે.

કોરોનામાંથી સાજા થયા પછી જે લોકો રસીના બે ડોઝ લે છે તેમનામાં પોસ્ટ કોવિદના લક્ષણો અત્યંત ઓછા અથવા બિલકુલ નથી દેખાતા. સંક્રમણથી સાજા થયા પછી જેમણે રસી નથી લીધી તેમના પોસ્ટ કોવિદ લક્ષણોની શકયતા દેખાઇ રહી છે. એમ્સના સાત વિભાગો, નેત્ર, મનોરોગ, પલ્મોનરી, મેડીસીન, એંડ્રોક્રાયનોલોજી, માઇક્રો બાયોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટના ડોકટરોએ મળીને આ અભ્યાસ કર્યો છે. તેમાં એમ્સના આરોગ્ય કર્મચારી અને અન્ય સ્ટાફને પણ સામેલ કરાયો હતો.

ડોકટરોએ જણાવ્યું કે, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન તેમને ત્યાં ૧૮૦૦થી વધારે દર્દીઓ દાખલ કરાયા હતા પણ તેમાંથી ૩૩.૨૦ ટકા દર્દીઓ એવા મળ્યા જેમને સાજા જાહેર કરાયા પછી પણ પોસ્ટ કોવિદ લક્ષણો જોવા મળ્યા છે. અત્યાર સુધી તેમને સંર્પૂર્ણ સ્વસ્થ ના કહી શકાય. કુલ ૧૮૦૧ દર્દીઓને સીલેકટ કર્યા પછી જ્યારે અયાસ શરૂ થયો તો ૭૭૩ દર્દીઓ પાસેથી પુરતી માહિતી નહોતી મળી.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ ફોન પર તેમનો સંપર્ક જાળવી રખાયો. તેમની સરેરાશ વય ૩૪ વર્ષ હતી. તેમાં ૫૬.૪૦ ટકા પુરૂષો અને બાકી મહિલાઓ હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ૩૩.૨૦ ટકા દર્દીઓમાં ચાર અથવા તેનાથી વધારે અઠવાડિયા પોસ્ટ કોવિદ લક્ષણો રહ્યા હતા. કોરોનાની અસર શરીરના દરેક અંગ પર પડે છે એટલે પોસ્ટ કોવિદ લક્ષણ કોઇ પણ અંગના હોય શકે છે.

માહિતી અનુસાર ૭૭૩માંથી ૪૦૭ લોકોએ સંક્રમણ પહેલા રસી નહોતી લીધી, જ્યારે ૧૭૫ લોકોએ પહેલો અને ૧૯૧ લોકોએ બંને ડોઝ લીધા હતા. ત્યાર પછી તેમને સંક્રમણ થયું હતું. ૪૦૭માંથી ૩૫ ટકા એટલે કે ૧૪૨ દર્દીઓને પોસ્ટ કોવિદનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે એક ડોઝ લેનારા ૧૭૫માંથી ૬૫ અને બન્ને ડોઝ લેનારા ૧૯૧માંથી ફકત ૫૦ (૨૬.૫ ટકા) લોકોમાં પોસ્ટ કોવિદ લક્ષણ જોવા મળ્યા છે.

અભ્યાસ દરમિયાન એ તારણ કાઢવામાં આવ્યું કે, કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી કેટલાક અઠવાડિયા પછી જ્યારે રસી અપાઇ તો આ લોકોમાં પોસ્ટ કોવિદ લક્ષણો વિકસીત થવાની શકયતા ૪૫ ટકા ઓછી થઇ. રસીકરણવાળા દર્દીઓમાં વધુ તપાસ કરાઇ તો જાણવા મળ્યું કે, રસીના બે ડોઝ સંક્રમણ જ નહીં પોસ્ટ કોવિદ લક્ષણોને પણ વધતા રોકી શકે છે.(૨૧.૪)

સાજા થયા પછીના પોસ્ટ કોવિદ લક્ષણો

.  શરીરમાં એક પ્રકારનો વિચીત્ર થાક લાગવો

.  કામમાં મન ના લાગવું, વારંવાર આરામની જરૂર

.  સાંધાનો દુઃખાવો

.  સ્નાયુઓમાં દુઃખાવો

.  વાળ ખરવા

(10:04 am IST)