મુખ્ય સમાચાર
News of Monday, 11th October 2021

છાત્રો આનંદો... બોર્ડની પરીક્ષા પાસ કરવાનું સરળ બનશે

વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના તનાવમાંથી મુક્‍તિ મળશે : પરીક્ષા પધ્‍ધતિમાં થશે ધરખમ ફેરફાર : સમગ્ર કોર્સની પરીક્ષા અનેક તબક્કામાં લેવાશે : સવાલ પણ સોચ આધારિત હશે : નિયમિત અભ્‍યાસ કરનાર સરળતાથી પાસ થઇ શકશે

નવી દિલ્‍હી તા. ૧૧ : વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના તણાવમાંથી હવે મુકિત મળશે. આની શરૂઆત થઇ ચૂકી છે પણ આગામી દિવસોમાં વધુ મોટા ફેરફારો જોવા મળશે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન કોઇ એક પરીક્ષાથી નહીં થાય પણ તેમનું પરિણામ તેમના વર્ષ દરમિયાનના અભ્‍યાસના આધાર પર તૈયાર થશે. તેમાં જે મહત્‍વના ફેરફાર પ્રસ્‍તાવિત છે તેમાં પરિક્ષાનું એક એવું મોડયુલ વિકસીત કરાઇ રહ્યું છે જેમાં આખા કોર્સની પરિક્ષા કેટલાય ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નો પણ વિચાર આધારિત હશે.
એટલે ગોખણીયા વિદ્યાર્થીઓના દિવસ હવે બદલાશે. ફેરફારની યોજના બોર્ડ પરીક્ષાઓની સાથે અન્‍ય ધોરણો માટે પણ કરાઇ છે. યુનિવર્સિટીઓ સહિત મેડીકલ અને એન્‍જીનિયરીંગમાં એડમીશન માટે લેવાતી પ્રવેશ પરીક્ષાઓ બાબતે જે તણાવપૂર્ણ માહોલ અને હરીફાઇ વધી છે તેને ધ્‍યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલય પરિક્ષાઓમાં ફેરફાર બાબતે બહુ જલ્‍દીમાં પણ છે.
આમ પણ રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિમાં પરીક્ષા સુધારા બાબતે ઘણી ભલામણો કરાઇ છે. જેમાં કહેવાયું છે કે પરિક્ષામાં કંઇક એ રીતે ફેરફાર થવો જોઇએ કે ટયુશન અને ગોખીગોખીને આગળ આવતા વિદ્યાર્થીઓના બદલે એવા વિદ્યાર્થીઓ આગળ આવે જે ખરેખર હોંશિયાર છે.
આ સાથે જ બોર્ડ પરીક્ષાઓને પણ કંઇક એવી રીતે ડીઝાઇન કરાઇ રહી છે જેમાં વર્ગમાં નિયમીત અભ્‍યાસ કરનાર વિદ્યાર્થી સહેલાઇથી પાસ થઇ શકશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં પરિક્ષાના કોર્સને નાના નાના હિસ્‍સામાં આયોજીત કરવાની તૈયારી છે. મંત્રાલયની આ પહેલ પર સીબીએસઇએ ૨૦૨૧-૨૨માં થનારી બોર્ડ પરીક્ષાઓમાં પ્રાથમિક અમલની યોજના બનાવી છે. તેમાં ૧૦માં અને ૧૨માં ધોરણની પરિક્ષાઓ હવે બે ભાગમાં થશે. અડધા કોર્સની એક પરિક્ષા અને બાકીના અડધા કોર્સની બીજી પરિક્ષા હશે. પછી પરિણામ બન્‍ને પરીક્ષાના માર્કના આધારે તૈયાર થશે.
આ પહેલથી વિદ્યાર્થીઓમાં ઉત્‍પન્‍ન થતા તણાવમાં ઘટાડો થશે. જો કે આ પ્રયાસ ત્‍યારે જ સફળ થશે જ્‍યારે ફેરફારને સીબીએસઇની સાથે અન્‍ય રાજ્‍યોના શિક્ષણ બોર્ડ પણ અપનાવે. આ પહેલ ફકત બોર્ડ પરીક્ષાઓ પૂરતી સિમિત નથી રહેવાની તે બાકી પરીક્ષાની પધ્‍ધતિમાં ફેરફાર માટે પણ ઝડપથી આગળ વધી રહી છે. તેમાં ચેપ્‍ટર પુરૂ થતાં જ વિદ્યાર્થીઓની એક ટેસ્‍ટ લેવામાં આવશે, જે તેના જ્ઞાનને સંપૂર્ણપણે પરખવા માટે હશે. આ બધી ટેસ્‍ટના આધારે વાર્ષિક પરિણામ તૈયાર કરાશે.
૨૦૨૫ સુધીમાં વિચાર આધારિત સવાલો હશે બોર્ડ પરીક્ષામાં
બોર્ડ પરીક્ષાઓમાં ફેરફારની જે એક મોટી પહેલ છે તેમાં હવે વિદ્યાર્થીઓને એવા સવાલ પૂછાશે જે વિચાર આધારિત હશે. તેનાથી તેની સાચી યોગ્‍યતા અને ક્ષમતાની પરખ થશે. હાલ તો ૨૦૨૧-૨૨ની બોર્ડ પરીક્ષામાં આવા ૨૦ ટકા સવાલ હશે, જે બહુ વિકલ્‍પીય (એમસીક્‍યુ), શોર્ટ આન્‍સર (ઓછા શબ્‍દોમાં જવાબ) અને લોંગ આન્‍સર ટાઇપ (શબ્‍દોની લીમીટ ના હોય) વગેરે પ્રકારના હશે. જો કે ૨૦૨૫ સુધીમાં બોર્ડ પરીક્ષામાં સો એ સો ટકા સવાલ વિચાર આધારિત જ હશે.

 

(10:35 am IST)