મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના : હજુ 2 કરોડ પરિવારોને આયુષ્યમાન ભારત સાથે જોડવા નિર્ણય

આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગના 10.76 કરોડ પરિવારોને હાલ સરકાર દ્વારા આ આરોગ્ય વીમાની સુવિધા ઉપલબ્ધ

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાને વિસ્તૃત કરી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ કાર્યક્રમમાં હજુ 2 કરોડ પરિવારોને આયુષ્યમાન ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગના 10.76 કરોડ પરિવારોને હાલ સરકાર દ્વારા આ આરોગ્ય વીમાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળે છે.

ઉચ્ચ સ્થાને રહેલા સરકારી સૂત્રો મુજબ સરકાર આ વખતે નેશનલ હેલ્થ ઓથોરિટી યોજના માટે જરૂરિયાતમંદ લાભાર્થીઓને સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી ડેટાબેઝ તેમજ અન્ય ડેટાબેઝમાંથી ઓળખી શકે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી એ કાર્યક્રમની અમલીકરણ સત્તા છે અને અત્યાર સુધી લાભાર્થીઓની ઓળખ ફક્ત એસઇસીસી ડેટાના આધારે કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી જનધન યોજના જેવી સેવાઓના ડેટાબેઝના આધાર પર પણ લાભાર્થીઓની ઓળખ કરી શકાય છે. વધુમાં વધુ પરિવારોને મહત્તમ ડેટાબેઝમાંથી લાભાર્થીઓની ઓળખ કરીને આ યોજનાનો લાભ મળશે. કેટલીક વાર એવું બને છે કે, કેટલાક જરૂરિયાતમંદ પરિવારોનો ડેટા એક યોજનાના ડેટાબેઝમાં નથી અને તેઓ આ સુવિધાથી વંચિત છે.

 

આયુષ્માન ભારત યોજના 14 એપ્રિલ, 2018ના રોજ દેશમાં શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડતી તે વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજના છે. તે 10.76 કરોડ ગરીબ અને નબળા પરિવારોને હોસ્પિટલની સારવાર માટે દર વર્ષે 5 લાખ રૂપિયાનું કવર આપે છે.

આ યોજનાના અમલીકરણ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનામાં બે કરોડ વધારાના પરિવારોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી છે. હવે તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. નવેમ્બર-2021 સુધીમાં NHA એ લગભગ 17 કરોડ આયુષ્માન ભારત કાર્ડ - 10.66 કરોડ PM-JAY કાર્ડ અને 5.85 કરોડ રાજ્ય કાર્ડ બનાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, NHA એ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જેવા અન્ય ડેટાબેઝ પર ધ્યાન આપશે.

આ ડેટાબેઝમાં ૮૦ કરોડથી વધુ લોકો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાશનકાર્ડ ધારકો ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજનાના ડેટાબેઝના આધારે પણ લાભાર્થીઓની પસંદગી કરી શકાય છે. હાલમાં 23,000 હોસ્પિટલો આરોગ્ય વીમા યોજના હેઠળ સૂચિબદ્ધ છે. જેમાં 9,361 ખાનગી અને 13,470 સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

(12:25 am IST)