મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

ચીનમાં ઓમીક્રોનનો ફફડાટ : યાનયાંગ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન

લોકોને ઘરો નહીં છોડવા તેમજ વાહનોનો પણ ઉપયોગ નહીં કરવા કડક સૂચના

મધ્ય ચીનના હૈનાન પ્રાંતમાં આવેલું યાનયાંગ શહેર ઓમીક્રોનની ભીતિને લીધે સંપૂર્ણ લોકડાઉન નીચે મુકવામાં આવ્યું છે. યાનયાંગ શહેરના નિવાસીઓને તેમનાં ઘરો નહીં છોડવા તેમજ વાહનોનો પણ ઉપયોગ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે. આનું કારણ તે છે કે, સોમવારે આ શહેરમાં ઓમીક્રોનના બે કેસ નોંધાયા હતા તે પછી આજે મંગળવારે સવારે બીજા ૫૮ કેસ ઓમીક્રોન સંક્રમિતોના નોંધાયા હતા.

આ માહિતી આપતાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે વર્ષથી સતત ચાલી રહેલા વાયરલના સંક્રમણોનો અમે સામનો કરી રહ્યાં છીએ. હવે ઓમીક્રોન ચીનનાં 'તિયાત-જીન' શહેરમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનનું બૈજિંગ પાસે આવેલું એક કુદરતી વારૂં (બંદર) છે. આથી ફેબુ્રઆરીમાં બૈજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકમાં પણ મુશ્કેલી ઉભી થવાની ભીતિ રહેલી છે.

ઓમીક્રોન યાનયાંગ શહેરમાં વ્યાપક બનતા નિવાસીઓને માત્ર અને માત્ર અનિવાર્ય કારણસર જ ઘરની બહાર નીકળવાની છૂટ અપાય છે. તે સિવાય આ સંપૂર્ણ શહેર 'લોકડાઉન' નીચે છે. ચીનનું આ બીજું શહેર છે કે, જ્યાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયો છે. માત્ર ૨૦ દિવસમાં જ આ બીજું લોકડાઉન છે. આ પૂર્વે ઉત્તરનાં તિયેનજીનમાં પાશ્ચલ લોકડાઉન જાહેર કરાયો છે. જ્યારે ડીસેમ્બરના અંતમાં બૈજિંગથી ૬૫૦ કી.મી. દૂર પશ્ચિમે રહેલા શી-યાન શહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયો છે.

(12:59 am IST)