મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

બજેટમાં આયાત ડ્‍યુટી વધારી શકે છે કેન્‍દ્ર સરકારઃ સ્‍માર્ટફોન-વુડન ફર્નિચર સહિતની આ વસ્‍તુઓ થશે મોંઘી

કેન્‍દ્ર બજેટમાં જે વસ્‍તુઓ પર આયાત ડ્‍યુટી વધારવા જઈ રહ્યું છે તેમાં ઈલેક્‍ટ્રોનિક્‍સ, ઈલેક્‍ટ્રીકલ ગુડ્‍સ, કેમિકલ અને હેન્‍ડક્રાફ્‌ટ જેવી ઘણી વસ્‍તુઓનો સમાવેશ થાય છે

નવી દિલ્‍હી, તા.૧૨: દેશમાં કોરોના મહામારીને કારણે, દરેકને આર્થિક મોરચે ઘણું નુકસાન થયું છે. દરમિયાન એવા અહેવાલો છે કે કેન્‍દ્ર સરકાર બજેટમાં આયાત ડ્‍યુટી વધારી શકે છે. આવી સ્‍થિતિમાં વિદેશથી આયાત થનારી લગભગ ૫૦ વસ્‍તુઓ પર ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી વધશે. નિર્મલા સીતારમણ આ વખતે મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે કેન્‍દ્ર બજેટમાં જે વસ્‍તુઓ પર આયાત ડ્‍યુટી વધારવા જઈ રહ્યું છે તેમાં ઈલેક્‍ટ્રોનિક્‍સ, ઈલેક્‍ટ્રીકલ ગુડ્‍સ, કેમિકલ અને હેન્‍ડક્રાફ્‌ટ જેવી ઘણી વસ્‍તુઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ચીન સહિત અન્‍ય દેશોમાંથી આવતા ૫૬ અબજ ડોલરના સામાન પર સરકાર દ્વારા આયાત કર લાદવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશની નવીનતમ અર્થવ્‍યવસ્‍થાની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને મોદી સરકાર બજેટમાં આ પગલું ઉઠાવી શકે છે. કેન્‍દ્ર દ્વારા ઊંચી કસ્‍ટમ ડ્‍યુટી લાદવાથી મોબાઈલ ફોન ચાર્જર, લેમ્‍પ, લાકડાના ફર્નિચર, ઈન્‍ડસ્‍ટ્રીયલ કેમિકલ્‍સ, જવેલરી અને હેન્‍ડક્રાફ્‌ટ જેવી ચીજવસ્‍તુઓની કિંમતમાં વધારો થશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ આ અંગેનું બજેટ રજૂ કરશે.
આ વસ્‍તુઓ થઈ શકે છે મોંઘીઃ મોબાઈલ ફોન ચાર્જર, ઔદ્યોગિક રસાયણો, લેમ્‍પ, લાકડાના ફર્નિચર, મીણબત્તીઓ, જવેલરી અને હેન્‍ડક્રાફ્‌ટ્‍સ જેવી પ્રોડક્‍ટ્‍સ ઊંચી કસ્‍ટમ ડ્‍યુટી વસૂલ્‍યા પછી મોંદ્યી થઈ શકે છે. વધુમાં, સ્‍માર્ટફોન ઉત્‍પાદકો માટે ચાર્જર, વાઇબ્રેટર મોટર્સ અને રિંગર્સ જેવા ભાગોની આયાત કરવી મોંઘી બનશે.
સરકારના આ પગલાથી ટેસ્‍લા અને સ્‍વીડિશ ફર્નિચર કંપની IKEA જેવી કંપનીઓને પણ અસર થઈ શકે છે. બંને કંપનીઓએ પહેલેથી જ કહ્યું છે કે તેમના માટે સૌથી મોટો પડકાર ભારતમાં ઊંચી કસ્‍ટમ ડ્‍યુટી છે.

 

(3:40 pm IST)