મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

ઈરાનના નાન્તાજ અણુ એકમમાં વીજળી ડૂલ થતાં ભારે નુકસાન

ઈરાન-ઈઝરાલ વચ્ચે ફરી તણાવ વધવાની સંભાવના : ઈરાનના અસૈન્ય પરમાણુ કાર્યક્રમના પ્રમુખે વીજ સપ્લાય ખોરવાવાની ઘટનાને 'પરમાણુ આતંકવાદ' ગણાવી

નવી દિલ્હી, તા. ૧૨ : ઈરાનના નાતાન્જ પરમાણુ એકમમાં રવિવારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી જેથી પરમાણુ એકમને નુકસાન પહોંચ્યું હતું. ઈરાનના અસૈન્ય પરમાણુ કાર્યક્રમના પ્રમુખે વીજ સપ્લાય ખોરવાવાની ઘટનાને 'પરમાણુ આતંકવાદ' ગણાવી હતી. ઈરાનના પરમાણુ કાર્યક્રમના ચીફ અલી અકબર સાલેહીએ રવિવારે રાતે ઈરાનના સરકારી ટેલિવિઝન મારફતે ટિપ્પણી કરી હતી.

સાલેહીએ 'પરમાણુ આતંકવાદ' પાછળ કોનો હાથ હોવાની શંકા છે તે નામ નહોતું જણાવ્યું પરંતુ તેમનો ઈશારો ઈઝરાયલ તરફ હતો. તેમની ટિપ્પણી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે છે. ઈઝરાયલના મીડિયાએ પણ એક સાઈબર હુમલાના કારણે નાતાન્જમાં અંધારૂ છવાયું અને સંવેદનશીલ સેન્ટ્રીફ્યુઝવાળા યુનિટને નુકસાન પહોંચ્યું તેવું આલેખન કર્યું હતું. જો કે, માટે કોઈ સ્ત્રોતનો ઉલ્લેખ નહોતો કરેલો પરંતુ ઈઝરાયલી મીડિયા દેશની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે નજીકના સંબંધો ધરાવે છે.

જો ઘટના પાછળ ઈઝરાયલ જવાબદાર હશે તો બંને દેશ વચ્ચેનો તણાવ વધી શકે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનની મુલાકાત લીધી હતી અને પરમાણુ સમજૂતી રોકવા તમામ સંભવિત પ્રયત્ન કરવાનો સંકલ્પ લીધો હતો. નાતાન્જ પરમાણુ એકમ ખાતે શું બનેલું તેનો સમગ્ર રિપોર્ટ સામે નથી આવ્યો પરંતુ ઈલેક્ટ્રિક ગ્રીડ ફીડમાં ગરબડના કારણે વીજળી ગુલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

(7:45 pm IST)