મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

વેકિસન પછી કેટલાય લોકોને આડઅસર કેમ થાય છે ?

વેકિસન્સ લીધા પછી વધુ પડતો શારીરિક શ્રમ કરવો પડે એવી પ્રવૃતિ ટાળવી જોઇએ

વોશિંગ્ટન,તા. ૧૨ : કોરોનાની રસી લીધા બાદ અનેક લોકોને અનુભવાતો માથાનો દુખાવો, થાક અને તાવ સહિતની ટૂંકા ગાળાની આડઅસર ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાનો સંકેત છે, જે વેકિસન સામે સામાન્ય રિસ્પોન્સ છે. આ બાબત ઘણી કોમન છે. અમેરિકન ફૂડ એન્ડ ડગ એડમિનિસ્ટ્રેશનના વેકિસન ચીફ ડો. પીટર માકર્સ જણાવ્યું હતું કે, 'આ વેકિસન્સ લીધા પછી વધુ પડતો શારીરિક શ્રમ કરવો પડે એવી પ્રવૃત્ત્િ। ટાળવી જોઇએ.' માકર્સને પણ વેકિસનનો પહેલો ડોઝ લીધા પછી થાકનો અનુભવ થયો હતો.

વેકિસન લીધા પછી શું થાય છે એ સમજીએઃ શરીરની ઇમ્યુન સિસ્ટમના મુખ્ય બે વિભાગ હોય છે. શરીરની અંદર બહારથી કંઈ પ્રવેશતું જણાય કે તરત પ્રથમ વિભાગ સક્રિય થાય છે. શ્વેતકણો એ સ્થાને પહોંચી જાય છે અને તેને લીધે સોજો આવે છે. વેકિસન લીધા પછી ધ્રુજારી, થાક અને અન્ય આડઅસરો માટે આ ક્રિયા જવાબદાર છે. જોકે, વ્યકિતની ઇમ્યુન સિસ્ટમનો ઝડપી રિસ્પોન્સ ઉંમર સાથે ઘટે છે. એટલે જ મોટી વયના લોકોની તુલનામાં યુવાનોને વેકિસનની આડઅસર વધુ થાય છે. કેટલીક વેકિસન્સમાં પણ અન્યની તુલનામાં વધુ રિએકશન આવે છે. જોકે, કોઈ વ્યકિતને વેકિસન લીધા પછી એક કે બે દિવસ સુધી કંઈ ન થાય તો એનો અર્થ એ નથી કે, વેકિસન અસરકારક પુરવાર થઈ નથી.

વેકિસનના કારણે વ્યકિતની ઇમ્યુન સિસ્ટમનો બીજો વિભાગ પણ સક્રિય બને છે અને તે એન્ટિબોડી બનાવીને શરીરનું વાઇરસ સામે રક્ષણ કરે છે. વેકિસનની અન્ય આડઅસર તરીકે હાથની નીચેના ભાગમાં અને અન્ય સ્થાને આવેલી લિમ્ફ નોડ્સમાં સોજો આવે છે. મહિલાઓને કોવિડ-૧૯ વેકિસનેશન પહેલાં મેમોગ્રામ્સ કરાવવાનું જણાવાય છે. જેથી લિમ્ફ નોડ્સના સોજાને કેન્સર સમજવાની ભૂલ ન થાય.

એસ્ટ્રાઝેનેકા અને જહોન્સનની વેકિસન લેનાર કેટલાક લોકોને અસામાન્ય બ્લડ કલોટ થયા હોવાના અહેવાલ છે. જોકે, નિયમનકર્તાઓના જણાવ્યા અનુસાર આ વેકિસન્સના જોખમ કરતાં લાભ ઘણા વધારે છે. કેટલાક લોકોને વેકિસન પછી ગંભીર એલર્જી પણ થઈ છે. એટલે વ્યકિતને વેકિસન લીધા પછી વ્યકિતને ૧૫ મિનિટ સુધી એ સ્થળે રોકાવાનું કહેવાય છે. જેથી તેની સારવાર થઈ શકે.

(10:08 am IST)