મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના બનાવી શકે છે સરકાર

મહારાષ્ટ્રમાં રાજનૈતિક હલચલ તેજઃ રામદાસ અઠાવલેના નિવેદનથી રાજકારણ ગરમાયુ

મુંબઇ, તા.૧૨: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાતે રાજનૈતિક હલચલ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના એક નિવેદને પાછલાં દ્યણા દિવસોથી ચાલી રહેલી રાજનૈતીક હલચલને વધુ હવા આપી દીધી છે. હકીકતે રામદાસ અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂર્વ સહયોગી ભાજપા અને શિવસેના સહિત અન્ય પક્ષ મળીને ફરી સરકાર બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે આ ગઠબંધન બાદ મુખ્યમંત્રી પદને અડધા-અડધા કાર્યકાળ માટે શિવસેના સાથે વહેચી દેવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ મુદ્દા પર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે તેમની વાતચીત થઈ ચુકી છે અને ટૂંક સમયમાં તે પ્રધાનમંત્રી મોદીની સામે આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે. રામદાસ અઠાવલેનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જયારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી મળવા દિલ્હી આવ્યા હતા.

મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને મળ્યા બાદ ઉદ્ઘવ ઠાકરેએ કહ્યુ કે પીએમે અમારી દરેક વાતોને ગંભીરતાથી સાંભળી. તેમણે જણાવ્યું કે તેમની મુલાકાત મરાઠા આરક્ષણ, જીએસટી સહીત દ્યણા સંવેદનશીલ મુદ્દાઓ પર થઈ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ઘવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે તે મુલાકાત ખાનગી હતી. તે કોઈ રાજનૈતિક મુલાકાત ન હતી. તેમણે એ વાત પર ભાર મુકયો કે પીએમ મોદીની સાથે તેમના સંબંધ સારા છે. તેમણે કહ્યું કે, 'અમે ભલે રાજકીય રીતે જોડે નથી પરંતુ તેનો મતલબ એ નથી કે અમારા સંબંધ તૂટી ગયા છે. હું કોઈ નવાજ શરીફને મળવા નહોતો ગયો. જો હું પીએમને ખાનગી રીતે મળવા જવ છું તો તેમાં કંઈ ખોટુ નથી.'

(4:15 pm IST)