મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

મુકુલ રોયે TMC માં ઘર વાપસી બાદ ગૃહમંત્રાલય ને સુરક્ષા પાછી ખેંચવા પત્ર લખ્યો

કોલકાતા: ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ઘર વાપસી કરનારા મુકુલ રોયને હવે કોઇ રીતનો ખતરો નથી રહ્યો? Z કેટેગરીની સિક્યુરિટી ધરાવતા મુકુલ રોયે કેન્દ્રીય દળોની સુરક્ષા છોડવાનો નિર્ણય કર્યો છે અને તેની માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને એક પત્ર લખ્યો છે. સુત્રોએ જણાવ્યુ કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રાલયને કહ્યુ છે કે તેમની સુરક્ષા પરત લેવામાં આવે. જોકે, ગૃહમંત્રાલય તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તૃણમૂલ કોંગ્રેસમાં વાપસીના 24 કલાકની અંદર જ મુકુલ રોયે આ નિર્ણય કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેતા મુકુલ રોયને પહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની Y+ સિક્યુરિટી આપવામાં આવી હતી, જ્યારે ચૂંટણીમાં રાજકીય હિંસાની સંભાવના અને ખતરાને જોતા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ વર્ષે માર્ચમાં તેમણે Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

Z કેટેગરીની સુરક્ષા હેઠળ 24થી 30 હથિયારધારી કર્મી તૈનાત હોય છે, જે અલગ-અલગ પાલીમાં કામ કરે છે. રોય નવેમ્બર 2017માં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપમાં સુવેન્દુ અધિકારીનું કદ વધતા તે નારાજ હતા અને માટે ટીએમસીમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

કોલકત્તામાં TMCના વરિષ્ઠ નેતાઓની શુક્રવારે મળેલી બેઠકમાં મુકુલ રૉયની પાર્ટીમાં ઘર વાપસીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુકુલ રૉય ભાજપમાં ભળ્યા, તે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં મહાસચિવ હતા. તેઓ 2017માં જ ભાજપમાં સામેલ થયા હતા. મુકુલ રૉયની સાથે તેમનો પુત્ર શુભ્રાંશુ રૉય પણ TMCમાં સામેલ થઈ ગયો છે.

(5:56 pm IST)