મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

ઓસ્ટિન ટેક્સાસમાં અંધાધૂંધ ગોળીબારમાં ૧૨ જણાને ઈજા

અમેરિકામાં ગન કલ્ચર બેફામ વકર્યું

ઓસ્ટિન, તા.૧૨ : અમેરિકામાં છેલ્લા થોડા સમયથી ગન કલ્ચર બેફામ રીતે વકર્યું છે. તાજેતરમાં એક લોકલ ટ્રાન્સ્પોર્ટ કંપનીમાં કર્મચારીએ સાથી કર્મચારીઓ પર ગોળીબાર કરી કેટલાકને મોતને ઘાત ઉતારી દીધા હતા અને બાદમાં પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. શનિવારે સવારે ઓસ્ટિન ટેક્સાસમાં વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે. હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતા ૧૨ લોકોને ઈજા પહોંચી છે.

ઓસ્ટીન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, ગોળીબારમાં સંખ્યાબંધ લોકો ઘવાયા છે. ઓસ્ટીન-ટ્રાવિસ કાઉન્ટી ઈએમએસએ ટ્વીટ્સમાં જણાવ્યું કે, ૧૨ લોકોને ઈજા પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે હજી સુધી કુલ ઈજાગ્રસ્તોની સંખ્યા અસ્પષ્ટ છે અને તે વધી શકે છે.

ગોળીબાર પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને હુમલાખોરની ઓળખ પણ કરવાની બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.અમેરિકામાં વીકએન્ડમાં સામૂહિક ગોળીબારની ૧૨ ઘટના સામે આવી હોવાનું જણાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈલિયોનાઈ, ન્યૂ જર્સી, ઓહાયો, ઈન્ડિયાના, સાઉથ કેલિફોર્નિયા, વર્જિનિયા, ટેક્સાસ અને મિનેસોટ્ટામાં વીકએન્ડમાં ફાયરિંગની ઘટના નોંધાઈ હતી.

(7:34 pm IST)