મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની વાતો વચ્ચે જેડીયુએ પ્રધાનપદુ માંગ્યું : જ્યોતિરાદિત્ય, સુશીલ મોદી અને સોનોવાલના નામ પણ ચર્ચામાં

સંસદના ચોમાસુ સત્ર પહેલાં જ કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની પ્રબળ સંભાવના

કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની સંભાવના થઇ રહી છે. જેમાં 3 વર્ષ પહેલાં મંત્રીમંડિળમાં સમાવેશનો ઇનકાર કરનારા નીતીશકુમારને હવે પોતાના પક્ષ માટે કેબિનેટમાં જગ્યા જોઇએ. આ અંગે જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે સામે ચાલી કહ્યું કે કેન્દ્રીય કેબિનેટમાં જદયુને પણ ભાગીદારી મળવી જોઇએ. મીડિયા સાથેની વાતચીતમાં આરસીપીએ કહ્યું કે એનડીએના તમામ ઘટક પક્ષોને સમ્માન મળવું જોઇએ.

સંસદના ચોમાસુ સત્ર પહેલાં જ કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની પ્રબળ સંભાવના છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રીની ગતિવિધિઓને કારણે તેની શક્યતા વધી છે અને અટકળો પણ થવા લાગી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની 2019ની બિહારની 40માંથી 34 બેઠકો પર ભાજપ અને જદયુએ ચૂંટણી લડી હતી. 6 બેઠકો લોજપને ફાળવવામાં આવી હતી. જેમાંથી રામવિલાસ પાસવાનને કેબિનેટમાં સ્થાન મળી જતાં જદયુને વધુ ખાતા જોઇતા હતા. જ્યારે મોદી સરકારી માત્ર એક ખાતુ ફાળવવા તૈયાર હતી. પરંતુ નીતીશકુમારને ત્રણ મંત્રીપદ જોઇતા હતા. જે નહીં મળતા, તેમણે એક ખાતુ લેવાનો ઇનકાર કરી દીધો હતો. હવે પરિસ્થિત બદલાતા તેમના તેવર પણ નરમ થયા છે.

મોદી કેબિનેટમાં હાલમાં પીએમ સિવાય 21 કેબિનેટ મંત્રી અને 9 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી અને 29 રાજ્યમંત્રી છે. કેટલાક મંત્રીઓ પાસે એક કરતા વધુ હવાલા હોવાથી મંત્રીમંડળના સભ્યોની કુલ સંખ્યા 54 થાય છે. સૂત્રો મુજબ આ વખતે મંત્રીમંડળમાં આસામના પૂર્વ સીએમ સર્વાનંદ સોનેવાલ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, વૈજયંત પાંડાના નામ ચર્ચામાં છે.

(8:07 pm IST)