મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

ભારત સરકારના કેટલાક નિર્ણયો લોકશાહી મૂલ્યોની વિરુદ્ધના છે :અમેરિકન સંસદીય સમિતિનો અહેવાલ

અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બાબતે વર્તમાન સરકારનું વલણ નિરાશાજનક: સતત પ્રતિબંધો મૂકવાનું અને માનવ અધિકાર કાર્યકરો અને તટસ્થ પત્રકારો સામે સરકારે કાર્યવાહીનો ઉલ્લેખ

વૉશિંગ્ટન :અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ડીન થોમ્પસને અમેરિકન સંસદીય સમિતિને ભારતના સંદર્ભમાં અહેવાલ આપ્યો હતો. એમાં ડીન થોમ્પસને કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકારના કેટલાક નિર્ણયો લોકશાહીના મૂલ્યોથી વિરૃદ્ધમાં છે. તેના કારણે લોકશાહીના મૂલ્યો જોખમમાં મૂકાયાં છે.
દક્ષિણ અને મધ્ય એશિયાના કાર્યવાહક સહાયક વિદેશ મંત્રી ડીન થોમ્પસને અમેરિકન સંસદીય સમિતિ સમક્ષ દક્ષિણ એશિયાના દેશોની સ્થિતિ અંગેનો અહેવાલ આપ્યો હતો. એમાં ભારતના સંદર્ભમાં પણ ખાસ ટીપ્પણીઓ કરવામાં આવી હતી. ડીન થોમ્પસને કહ્યું કે ભારતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે. ન્યાયતંત્ર પણ સ્વતંત્ર અને તટસ્થ રીતે કામ કરે છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. પરંતુ આ બધા વચ્ચે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બાબતે વર્તમાન સરકારનું જે વલણ છે તે નિરાશાજનક છે.
ડીન થોમ્પસને ઉમેર્યું હતુંઃ ભારતમાં અભિવ્યક્તિની આઝાદી સામે પડકારો ખડાં થયા છે. સતત પ્રતિબંધો મૂકવાનું વલણ જોવા મળ્યું છે. માનવ અધિકાર કાર્યકરો અને તટસ્થ પત્રકારો સામે સરકારે કાર્યવાહી શરૃ કરી છે. એમાંથી ઘણાંની તો ધરપકડ પણ કરવામાં આવી હતી.
અમેરિકાની સંસદીય સમિતિએ ડીન થોમ્પસનને કાશ્મીરની સ્થિતિ અંગે પણ સવાલો કર્યા હતા. સાંસદ ક્રિસ્સી હોલાસને પૂછ્યું હતું કે કાશ્મીરમાં હવે કેવી સ્થિતિ છે? તેના જવાબમાં ડીન થોમ્પસને કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે અમેરિકાએ ભારતને ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે કેટલાક પગલાં ભર્યા પણ છે. જેમ કે રાજકીય કેદીઓને છોડી મૂકાયા છે. ૪જી ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં ચૂંટણી કરવા માટે પણ અમેરિકાએ ભારતની સરકારને ભલામણ કરી છે.

દરમિયાન ભારત સરકારે અમેરિકાના ઉચ્ચ અધિકારીના આ દાવાને નકારી દીધો હતો. ભારતે કહ્યું હતું કે વિદેશી સરકારો અને માનવ અધિકાર સંગઠનોના દાવા પાયાવિહોણા છે. ભારતમાં મજબૂત લોકતંત્ર છે અને નાગરિકોને અભિવ્યક્તિની પૂરતી સ્વતંત્રતા મળી રહી છે. સરકારે બચાવ કરતા કહ્યું હતું કે ભારતનું બંધારણ મજબૂત છે અને બંધારણીય રીતે જ લોકોને પૂરતી મોકળાશ મળી રહી છે.

(10:48 pm IST)