મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

મુડીઝે પણ દેખાડ્યું 'રેડ કાર્ડ'

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૫%નાં ઘટાડાનું અનુમાન

નવી દિલ્હી,તા.૧૨: વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ભારતીય અર્થતંત્રને એક પછી એક 'રેડ કાર્ડ' બતાવી રહી છે. રેટિંગ એજન્સી મૂડીઝ  દ્વારા ભારતના વિકાસનું નવું મૂલ્યાંકન બહાર પાડવામાં આવ્યું છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ઘિના અનુમાનમાં ઘટાડો કર્યો છે. મૂડીના અનુમાન મુજબ ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૫ ટકાનો ઘટાડો થશે. અગાઉ મૂડીઝે  ૪ ટકાનો ઘટાડો થવાની આગાહી કરી હતી.

ફિચ, ક્રિસિલ, ઈન્ડિયા રેટિંગ્સે પણ ભારતીય અર્થવ્યવસ્થામાં નેગેટિવ ગ્રોથની આગાહી કરી છે. મૂડીઝનું કહેવું છે કે નીચો ગ્રોથ, વધારે દેવાના બોજ અને નબળા નાણાકીય સિસ્ટમના કારણે ભારતની ક્રેડિટ પ્રોફાઇલ પર દબાણ વધી રહ્યું છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે આ જોખમોમાં વધુ વધારો થયો છે.

રેટિંગ એજન્સી મૂડીઝે  કહ્યું હતું કે અર્થવ્યવસ્થા અને નાણાકીય પ્રણાલીમાં ભારે દબાણને કારણે પરસ્પર જોખમથી રાજકોષીય સ્થિતિ વધુ કથળી શકે છે. આને કારણે, ક્રેડિટ પ્રોફાઇલ પર દબાણ વધુ વધી શકે છે. મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૬ ટકાના દરે વૃદ્ઘિની આગાહી કરી છે. જણાવી દઈએ કે, આ નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં જીડીપી ગ્રોથમાં ૨૩.૯ ટકાનો રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો.

મૂડીઝ પહેલાં, બીજી એક વૈશ્વિક એજન્સી ફિચે ગત સપ્તાહે ભારતીય અર્થવ્યવસ્થા વિશે પોતાનો અંદાજ આપ્યો હતો. એજન્સીએ આ નાણાકીય વર્ષમાં ૧૦.૫ ટકાનો ઘટાડો થવાની આગાહી કરી છે. સ્થાનિક એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલું નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં ક્રમશઃ ૯ ટકા અને ૧૧.૮ ટકાનો ઘટાડો થવાની આગાહી કરી છે.

(11:26 am IST)