મુખ્ય સમાચાર
News of Sunday, 12th September 2021

મન હોય તો માળવે જવાય : ભારતીય ટ્રેકર ગીતા સમોતાએ ઇતિહાસ રચ્યો : આફ્રિકાના સૌથી ઉંચા શિખર કિલીમંજારો પર્વત પર ચઢીને ત્રિરંગો ફરકાવ્યો

કિલીમંજારો પર્વતની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 5,895 મીટર :વિશ્વનો સૌથી ઉંચો મુક્ત પર્વત:

નવી દિલ્હી : આજે યુવાન ભારતીય ટ્રેકર ગીતા સમોતાએ આફ્રિકાના સૌથી ઉંચા શિખર (5,895 મીટર) કિલીમંજારો પર ચઢીને બધાને ચોંકાવી દીધા. ગીતા સમોતાએ શિખર પર તિરંગો ફરકાવ્યો. તિરંગો લહેરાવતી વખતે તેમની ખુશી દેખાઈ રહી હતી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેમણે કિલીમંજારો પર પહોંચીને સમગ્ર વિશ્વમાં ભારતની ખ્યાતિ ફેલાવી.

કિલીમંજારો પર્વતની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 5,895 મીટર છે. તે વિશ્વનો સૌથી ઉંચો મુક્ત પર્વત છે અને માઉન્ટ કિલીમંજારોના શિખર પર ત્રણ જ્વાળામુખી શંકુ પણ આવેલા છે. આ પહેલા આંધ્રપ્રદેશની નવ વર્ષની બાળકી ઋત્વિકા પણ આ પર્વત પર ચઢાણ કરી ચૂકી હતી.

ઋત્વિકા કિલિમંજારો પર ચઢનારી સૌથી નાની વયની એશિયન છોકરી છે. કિલીમંજારો શિખર પૃથ્વી પર ચોથું સૌથી મહત્વનું સ્થાન માનવામાં આવે છે. જો કે, વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે 2050 સુધીમાં પર્વતનું બરફનું સૌંદર્ય અને હિમનદીઓ અદૃશ્ય થઈ જશે કારણ કે ઓઝોનનું સ્તર તૂટી રહ્યું છે.

13 ઓગસ્ટના રોજ ગીતા સમોતાએ યુરોપના સૌથી ઉંચા શિખર એલ્બ્રસ (5,672 મીટર) પર ચઢાણ કર્યું હતુ. આ કારણે તેમને ટૂંકા ગાળામાં બે પર્વતો પર ચડનાર સૌથી ઝડપી ભારતીયનું સન્માન પ્રાપ્ત થયું. તેમની આ સિદ્ધિની પ્રશંસા તાન્ઝાનિયામાં નિયુક્ત ભારતના હાઈ કમિશ્નર બિનયા પ્રધાને ટ્વીટર પ્લેટફોર્મ દ્વારા કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.

રેકોર્ડ બનાવ્યા બાદ ગીતા સમોતાએ કહ્યું કે તમારામાં વિશ્વાસ રાખો અને વિશ્વને તમારી સિદ્ધિઓથી અવગત કરાવો. આફ્રિકાની ટોચ પર મહિલાઓની શક્તિ ચમકી રહી છે, જેનાથી  ભારત અને સીઆઈએસએફ (CISF)ની મહિલાઓ ગૌરવ અનુભવી રહી છે.

(12:51 am IST)