મુખ્ય સમાચાર
News of Friday, 12th November 2021

ભારત માટે ચિંતાજનક અહેવાલો: "પીઓકે"માં ચીની સૈનિકો, સરહદ પરની ચોકીઓ અને ગામોનું સર્વેક્ષણ કરતા જોવા મળ્યા

ચીન અને પાકિસ્તાનની મિત્રતાની સ્થિતિ એ સ્તરે પહોંચી  છે કે હવે ચીનના સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘૂમી રહ્યા છે.  અહેવાલો અનુસાર, ચીની સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સરહદી ચોકીઓ અને ગામોનું નિરીક્ષણ કરી રહ્યા છે.

કાશ્મીર ઓબ્ઝર્વરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરના કેલ, જુરા અને લિપા સેક્ટરમાં લગભગ ચાર ડઝન ચીની સૈનિકો એક મહિના પહેલા આવી પહોંચ્યા છે.  રિપોર્ટ અનુસાર, ચીની સૈનિકોએ પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી "આઈએસઆઈ"ના અધિકારીઓ સાથે મળીને પોતાને પાંચથી છ જૂથોમાં વહેંચી દીધા છે.  તેમણે અનેક ગામોની મુલાકાત લીધી છે.

 કાશ્મીર ઓબ્ઝર્વરે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ચીની સૈનિકોએ કાશ્મીર ઘાટીમાં પહોંચવા માટે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાકિસ્તાની આર્મી પોસ્ટ અને ઘૂસણખોરીના માર્ગોનો પણ સર્વે કર્યો છે.  રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગામોની મુલાકાત લેતા ચીની સૈનિકોએ આ ગામોને આદર્શ ગામ બનાવવાનો સંકેત આપ્યો છે, જેનો ઉપયોગ નાગરિકો અને સૈન્ય બંને કરી શકે છે.શુ ચીન પાકિસ્તાનને મોડલ વિલેજ બનાવવામાં  મદદ કરી રહ્યું છે? તેનો જવાબ હજુ સ્પષ્ટ નથી.  જો કે, ઘણા સંરક્ષણ વિશ્લેષકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીનના સૈનિકોને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છે.

(7:40 pm IST)