મુખ્ય સમાચાર
News of Friday, 12th November 2021

રાજકોટમાં કોઈને નોન વેજ વેચવું હોય તો શહેરની બહાર જઇ શકો છો:મેયર પ્રદીપ ડવની સ્પષ્ટ વાત

રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ક્યાંય પણ લારીઓ ઉભી રાખી શકાશે નહી.

રાજકોટ : શહેરમાં આવેલ રાજમાર્ગો, મુખ્યચોક, રહેણાંક વિસ્તારોમાંથી ઇંડા અને નોનવેજની રાત્રી બજારો હટાવવા મેયરે આપેલા આદેશ હવે દિવસે દિવસે વિવાદિત બની રહ્યો છે. ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ ફૂલછાબ ચોક અને શાસ્ત્રી મેદાન રોડ ચોખ્ખો કરાવી રહી છે. આ અંગે રાજકોટના મેયર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી હતી. જેમાં મેયરે જણાવ્યું કે, નોન વેજ વેચવું હોય તો શહેર બહાર જઇ શકો છો. રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ક્યાંય પણ લારીઓ ઉભી રાખી શકાશે નહી.

પ્રદીપ ડવે જણાવ્યું કે, આસપાસના રહેણાંક વિસ્તારમાંથી શહેરીજનોની ફરિયાદ આવતી હતી. બાળકોથી લઇને વૃદ્ધ સુધી કોઇને પણ ત્યાંથી પસાર થવું હોય તો મુશ્કેલી પડતી હોય છે. નોનવેજની લારીને હટાવવાનો નિર્ણય લેવાયો હતો. હાલ દરરોજ 2 રેંકડીઓ હટાવાઇ રહી છે. શહેરના 48 મુખ્ય માર્ગો પરથી 30થી વધારે રેંકડીઓ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ નિર્ણય કોઇ મારો એકલાનો નથી સમગ્ર મનપા અને વહીવટી તંત્રના સંયુક્ત રીતે નિર્ણ લેવાયો છે. કોઇ સ્થળે 1 ઇંડાની લારી હોય તો તે જોતજોતામાં 10 થઇ જાય છે. જેને પગલે આ નિર્ણય લેવાયો હતો. 

જે લોકોની લારીઓ હટાવાઇ રહી છે તે લોકોને રહેણાંક વિસ્તારોની આસપાસ તો લારી નહી ઉભી રાખી શકે, આ ઉપરાંત કોઇ ધાર્મિક સ્થાનો હશે ત્યાં પણ નોનવેજનું વેચાણ નહી થઇ શકે. જો કે લોકો સિટીથી દુર ઔદ્યોગિક એકમો પાસે કોઇ નડતરરૂપ ન થાય તે પ્રકારે વેચાણ કરી શકે છે. આ ઉપરાંત જ્યાં પણ તેઓ ધંધો કરે ત્યાં સ્વચ્છતાનું કડકપણે પાલન કરવું પડશે. સ્વચ્છતાના પાલન ઉપરાંત અલગથી ડસ્ટબીન રાખવી પડશે. જેના નિકાલ માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે

(9:50 pm IST)