મુખ્ય સમાચાર
News of Saturday, 13th February 2021

રાજકીય પાર્ટીનું નામ વટાવી , ઈલેક્શન ખર્ચ વસૂલવાનું બહાનું બતાવી જમીન હડપ કરતા માફિયાઓ ઉપર મદ્રાસ હાઇકોર્ટની લાલ આંખ : આવી બાબત લોકશાહી માટે પડકારરૂપ છે : કાયદાથી ઉપર કોઈ નથી : રાજકીય પક્ષો આવી દાદાગીરી બંધ કરાવે : જમીન તાત્કાલિક ખાલી કરાવી દેવા જસ્ટિસ શ્રી આનંદ વેન્કટેશનો પોલીસ તંત્રને આદેશ

મદ્રાસ : રાજકીય પક્ષનું નામ આગળ ધરી ખાનગી જમીનમાં ટેન્ટ બાંધી ઈલેક્શન ખર્ચ વસૂલવા નાણાં માંગતા માફિયાઓ વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટે લાલ આંખ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મદ્રાસમાં પ્રાઇવેટ માલિકીની જમીન ઉપર નવા મકાનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો.તે જમીન ઉપર કામ ચાલુ હતું ત્યારે અમુક માફિયાઓ ત્યાં ટેન્ટ નાખી બેસી ગયા હતા.જમીન માલિકે આ જમીન પોતાની હોવાનું જણાવી ખાલી કરી દેવા જણાવતા આ માફિયાઓએ ધાકધમકી આપવાનું શરૂ કરી દીધું હતું . તથા પોતે અમુક રાજકીય પાર્ટીના માણસો છે. અને તેના ઈલેક્શન ખર્ચ માટે રકમ આપશો તો જ જમીન ખાલી કરશે તેવું ધમકી આપી હતી.

સામાન્ય રીતે આવી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ લોકો ડરતા હોય છે.તેવા સંજોગોમાં જમીન માલિકે હિંમત કરી હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. તથા ફોટાઓ રજૂ કર્યા હતા.જેના અનુસંધાને નામદાર કોર્ટે આ જમીન ખાલી કરાવી દેવા પોલીસ ડિપાર્ટમેન્ટને આદેશ કર્યો હતો.તથા જમીન ખાલી કરાવી દેવાઈ છે તેની કોર્ટને જાણ કરવા સૂચના આપી હતી.

નામદાર કોર્ટે ઠપકો આપતા જણાવ્યું હતું કે જે તે રાજકીય પક્ષોએ આવા માફિયા ઉપર કંટ્રોલ કરવો જોઈએ.નહીં તો પાર્ટીનું નામ ખરાબ થઇ શકે છે.તેમજ લોકશાહી જોખમમાં આવી શકે છે.કાયદાથી ઉપર કોઈ નથી.રાજકીય પક્ષો પણ કાયદાથી પર નથી.તેમ જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.જાણવા મળે છે.

(1:09 pm IST)