મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

દિલ્હીના બજારોમાં હવે ઓડ- ઇવન સમાપ્ત : સોમવારથી હવે તમામ દુકાનો ખોલી શકાશે

શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ બંધ રહેશે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શહેરમાં પ્રતિબંધ હળવા કરવાની જાહેરાત કરી છે. કોરોનાને કારણે નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે સોમવારે સવારે 5 વાગ્યા પછી કેટલીક પ્રવૃત્તિઓ સિવાય તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કેટલીક પ્રવૃત્તિઓ જે અત્યાર સુધી પ્રતિબંધિત હતી તેને કોવિડ પ્રોટોકોલ સાથે કરી શકાય છે. કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીની બજારોમાં તમામ દુકાનો ખોલી શકાશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉજવણી પર પ્રતિબંધ ચાલુ રહેશે. સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેસ્ટોરાંમાં 50 ટકા બેઠક ક્ષમતા પર ખોલવાની મંજૂરી આપવામાં આવશે. અમે એક અઠવાડિયા સુધી તેનું મોનીટરીંગ કરીશું. જો કેસો વધશે તો કડક પ્રતિબંધો લાદવામાં આવશે નહીં તો, તે ચાલુ રાખવામાં આવશે

(5:14 pm IST)