મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

ગટરની સફાઈ ન થતા શિવસેનાના ધારાસભ્ય ભડક્યા : કોન્ટ્રાક્ટરને કચરામાં બેસાડી નવડાવ્યો

ગટરના ગંદાપાણી ઘરમાં પ્રવેશતા રોષે ભરાયેલ ધારાસભ્ય દિલીપ લાંડે તેમના કાર્યકરો સાથે પહોંચ્યા

મુંબઈ : શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ગટરની સફાઇ ન થવા પર એક કોન્ટ્રાક્ટર પર કચરો ફેંકાવતા નજરે પડે છે. આ ઘટના શનિવારે સાંજે 4 વાગ્યે ચાંદિવલી વિસ્તારની છે. ધારાસભ્યને ફરિયાદ મળી હતી કે ગટરની સફાઇ ન કરવાને કારણે ગંદુ પાણી ઘરમાં આવી રહ્યુ છે. આથી ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય પોતાના કાર્યકરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને બોલાવીને કચરામાં બેસાડ્યો હતો અને કચરો તેના ઉપર ફેંકવામાં આવ્યો હતો.

ચાંદિવલી વિસ્તારમાં ગટરની સફાઇ ન કરવાને કારણે ગંદા પાણી લોકોના ઘરમાં પ્રવેશી જતા હતા. આથી રોષે ભરાયેલા ધારાસભ્ય દિલીપ લાંડે તેમના કાર્યકરો સાથે પહોંચ્યા હતા અને કાર્યકરોને સફાઈમાં લગાવી દીધા હતા. તે પછી, કોન્ટ્રાક્ટરને બોલાવ્યો અને તેને પહેલા કચરા પર બેસાડ્યો, પછી કાર્યકરોને તેના પર કચરો નાખવાનું કહ્યું.

માફી માંગવાને બદલે દિલીપ લાંડે આ મામલે ખુલાસો આપી રહ્યા છે. તે કહે છે કે કોન્ટ્રાક્ટર તેની જવાબદારી સમજી શકતો ન હતો, તેથી તેની સાથે આવું કરવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે કચરો એકત્રિત કરવાની જવાબદારી ઠેકેદારની છે, પરંતુ તેમણે આમ કર્યું નહીં, તેથી મારે જાતે જ ગટક સાફ કરવી પડી.

તેમણે કહ્યું, જેની જવાબદારી છે તે કોઈ અહીં હાજર નથી. પરંતુ લોકોએ મારામાં વિશ્વાસ રાખીને મને ધારાસભ્ય બનાવ્યો છે. તેથી, મારી જવાબદારી, મારી ફરજ નિભાવવા માટે, હું અહીં શિવસૈનિકો સાથે માર્ગ પર આવ્યો છું. ગટર સાફ કરવા આવ્યો છું. આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, તેણે તે કર્યું ન હતું તેથી જ હું જાતે જ રસ્તામાં ગટરની સફાઇ કરવાનું કામ કરી રહ્યો છું. આ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે એટલા માટે કોન્ટ્રાક્ટરને પકડીને અહિંયા લાવ્યો છુ અને જે ગંદકીમાં મારા લોકો પસાર થઈ રહ્યા હતા તે જ કચરામાં કોંન્ટ્રાક્ટરને બેસાડીને તેની જવાબદારીનું ભાન કરાવ્યું.

(7:18 pm IST)