મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

રાજસ્થાનમાં કોંગ્રેસ જ નહીં ભાજપમાં પણ ઉકળતો ચરુ : પોસ્ટરમાંથી દૂર થઇ વસુંધરા રાજેની તસવીર

20 વર્ષમાં પ્રથમવાર વસુંધરા રાજેની તસ્વીર પોસ્ટરમાંથી ગાયબ : સતિષ પૂનિયાએ કહ્યું આવા ફેરફારો થતા રહે છે. નવા લોકો આવતા રહે છે અને જૂના લોકો જતા રહે છે

જયપુર : રાજસ્થાનમાં સચિન પાયલોટ અને તેના ટેકેદાર ધારાસભ્યોને કારણે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ હોવાના હેવાલ વચ્ચે ભાજપમાં પણ દેખાઈ એટલું બધું સારું નથી  તેમ ચર્ચાઈ રહ્યું છે, ભાજપ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા પોસ્ટરમાંથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા વસુંધરા રાજે ની તસવીર ગાયબ છે. માનવામાં આવે છે કે હાલ રાજસ્થાનમાં ભાજપ બે જૂથોમાં વહેંચાયેલો છે. એક વસુંધરા રાજે જુથ અને બીજુ છે સતિષ પુનિયા. જે હાલ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે.

 રાજસ્થાન ભાજપે ‘લક્ષ્‍ય અંત્યોદય, પ્રાણ અંત્યોદય, પથ અંત્યોદય’ ના ઠરાવ સાથે જાહેર કરાયેલા હોર્ડિંગ પર વડા પ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જોવા મળે છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપના હોર્ડિંગ્સ અથવા બેનરોથી વસુંધરા રાજેની તસવીર 20 વર્ષમાં પ્રથમ વાર નથી છપાઈ.

જોકે પાર્ટીનું કહેવું છે કે હોર્ડિંગ્સમાં કોની તસવીર પ્રદર્શિત થશે તે કોઈ પણ નેતા દ્વારા નહીં પરંતુ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સતિષ પૂનિયાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા ફેરફારો થતા રહે છે. નવા લોકો આવતા રહે છે અને જૂના લોકો જતા રહે છે.

 

હોર્ડિંગ્સમાંથી વસુંધરા રાજેની તસવીર ગાયબ થયા બાદ તેમના સમર્થકો રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં વસુંધરા માત્ર ભાજપ માટે જ જરૂરી મજબૂત નેતા છે.

ઉલ્લેખનીય છે કે જયપુરમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર મોટા હોર્ડિંગ્સ છે. જેમાં વડા પ્રધાન ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ગુલાબચંદ કટારિયા અને સતિષ પૂનીયાની તસ્વીર છે. જ્યારે બીજા હોર્ડિંગમાં, દીન દયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટા છે.

(8:42 pm IST)