મુખ્ય સમાચાર
News of Monday, 13th June 2022

શ્રીનગરમાં જેલમનું જળસ્‍તર માત્ર અર્ધો ફુટ

કાશ્‍મીરના હજારો પરિવારનો જળસ્ત્રોત જેલમ નદી સુકાઇ રહી છે

જમ્‍મુ : એવુ કહેવાતુ હોય છે કે કાશ્‍મીરમાં પાણી જ પાણી છે પણ કાશ્‍મીર ના એવા હજારો પરિવારો માટે મુશ્‍કેલ પરિસ્‍થિતીઓ ઉત્‍પન્ન થઇ છે જે જેલમ નદીના પાણી પર સંપૂર્ણ પણે નિર્ભર છે. જેલમ નદી હવે સુકાતી જાય છે.

પુર નિયંત્રણ વિભાગના એન્‍જીનીયર ફરીદે સ્‍વીકાર્યુ છે કે દક્ષિણ કાશ્‍મીર  થી નીકળતી જેલમ નદીમાં શ્રીનગરમાં પાણીનું લેવલ માત્ર અડધો ફુટ થઇ ચૂકયુ છે. કાશ્‍મીરમાં વરસાદના  થવાના કારણે આમ બન્‍યુ છે. અધિકારીઓ માને છે કે દુકાળની સ્‍થિતી ઉત્‍પન્ન થઇ શકે છે. તેઓ તો એવી આશંકા પણ વ્‍યકત કરી રહ્યા છે કે જો આગામી થોડા દિવસમાં જો વરસાદ નહી થાય તો ધાનનો પાક નહી ઉગાડી શકાય.  દક્ષિણ કાશ્‍મીરના ખેડૂતોને આ વખતે ધાન નો પાક ના રોપવાની સલાહ પહેલા જ અપાઇ ચૂકી છે. 

શ્રીનગર સહિત દક્ષિણ કાશ્‍મીરના બધા જીલ્લાઓની પ્રજા સંપૂર્ણ પણે જેલમ નદીના પાણી પર જ નિર્ભર છે. શ્રી નગર શહેરને પીવાનું પાણી સપ્‍લાય કરતી બે પરિયોજનાઓ પણ હવે એટલે બંધ કરી દેવી પડી છે. કેમકે ત્‍યાં જેલમનું જળ સ્‍તર ફકત અર્ધો ફુટ છે.

પરિસ્‍થિતી એવી છે કે વધતા તાપમાન ના કારણે પાણીનાસ્ત્રોત સુકાતા જાય છે અને લોકોને જબરદસ્‍ત મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધતુ તાપમાન માર્ચ અને એપ્રિલમાં પોતાનુ ભયાનક રૂપ દેખાડી ચૂકયુ છે. માત્ર જમ્‍મુ જ નહીં પણ કાશ્‍મીરના કેટલાય ભાગોમાં પહેલી વાર આટલું ઉષ્‍ણાતામાન જોઇને કાશ્‍મીરીઓ તોબા પોકારી ગયા હતા.

તાપમાન કેટલુ વધારે હતુ એનો અંદાજ એના પરથી આવી શકે છે કે સામાન્‍ય થી ૮ થી ૧૨ ડીગ્રી વધારે ઉષ્‍ણતામાન હોવાના કારણે આ વખતે ગુલમર્ગમાં માર્ચમાં જ સ્‍કીઇંગ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો કેમકે સ્‍કીઇનવાળા સ્‍થળો પર બરફ ઝડપથી પીગળવા લાગ્‍યો હતો. ગરમીના કારણે માર્ચ-એપ્રિલમાં પ્રવાસીઓ કાશ્‍મીરથી દૂરી રાખવા લાગ્‍યા હતા.

(1:14 pm IST)