મુખ્ય સમાચાર
News of Monday, 13th June 2022

ગાયોને પીવડાવ્યો ૧૧૦૦ કિલો કેરીનો રસ

ડ્રાયફ્રૂટસ પણ મિકસ કર્યા

 

 

પ્રતાપગઢ, તા.૧૩: રાજસ્થાનમાં ગાયોની અનોખી સેવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજકોએ ગાયોને ભરપૂર કેરીનો રસ પીવડાવ્યો હતો. ગૌવંશને પણ કેરીના રસનો આનંદ મળે એટલે અહીં એક અનોખું આયોજન કર્યુ હતું. અહીં ૧૧ કિવન્ટલ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ મિકસ કરીને ગાયોને પૂરી શ્રદ્ધા સાથે રસ પીવડાવવામાં આવ્યો હતો. આ આયોજનને જોવા મોટી સંખ્યામાં લોકો શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળા પહોંચ્યા હતા અને આ અનોખા આયોજનનો આનંદ માણ્યો હતો. માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગૌવંશને લાપસી, ગોળ અને લીલું ઘાસ ખવડાવવામાં આવતું હોય છે. પરંતુ ગાયોને રસ પીવડાવવાનો કાર્યક્રમ સંભવતઃ પહેલી વખત થયો છે. -તાપગઢના શ્રી મહાવીર ગોવર્ધન ગોશાળાના મેનેજમેન્ટે ખૂબ જ આદર સાથે તેનું અનોખું આયોજન કર્યું હતું. અહીં પહેલા ૧૧ કિવન્ટલ કેરીનો રસ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને ટાંકીમાં ભરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભકતોએ એ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ નાખી ગાય પ્રત્યે આદર ભાવ વ્યકત કર્યો હતો અને આ કાર્યક્રમ માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

૨ગૌશાળામાં છે ૧૨૦૫ ગાયો - જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં ૧૨૦૫ ગૌવંશ છે. આ એ ગૌવંશ છે જેમને કતલખાને જવાથી બચાવી લેવામાં આવ્યા છે. ગૌ ભકતો અને જીવ દયા પ્રેમીઓ વતી આર્થિક સહાય પૂરી પાડીને આ ગૌશાળા ચલાવવામાં આવે છે. ગૌશાળાના ટ્રસ્ટી અરવિંદ વાયાનું કહેવું છે કે, જિલ્લાભરના પોલીસ સ્ટેશનોથી ગાયોને આ ગૌશાળામાં મોકલવામાં આવે છે. જિલ્લામાં વધુ પાંચ ગૌશાળાઓ છે. પરંતુ ઘણી વખત જગ્યાના અભાવે તેમને ગૌવંશ લેવાની ના પાડી દેવામાં આવે છે.

ગાયોના આહારનું રખાય છે સંપૂર્ણ ધ્યાન - ગૌશાળા સાથે સંકળાયેલા જૈન સંગીતકાર ત્રિલોક મોદીનું કહેવું છે કે, અહીં આવતા સમયે કતલખાનામાં જવાથી બચી ગયેલા ગૌવંશની હાલત ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ ગૌવંશના ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ઘાસચારાની સાથે પ્રોટીનયુકત ખોરાક આપવામાં આવે છે. જેના કારણે અહીંના કતલખાને જવાથી બચી ગયેલી ગાયો પણ પ્રજનન કરી રહી છે.

અન્ય ગૌશાળા માટે એક ઉદાહરણ - ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ ગૌશાળાઓમાં સુવિધાના અભાવે ગાયના મોતના સમાચાર ચર્ચાનો વિષય બની રહ્યા છે. તો બીજી તરફ પ્રતાપગઢમાં શ્રી મહાવીર ગોવર્ધન ગોશાળામાં આયોજિત આ પ્રકારનો કાર્યક્રમ રાજ્યની અન્ય ગૌશાળાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

(3:26 pm IST)