મુખ્ય સમાચાર
News of Monday, 13th September 2021

રાજકોટમાં ૩૦ કલાકમાં ૧૮ ઇંચ

શહેર બન્યું જળ બંબાકાર : ચોતરફ પાણી...પાણી... : સંખ્યાબંધ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા : આખી રાત વરસ્યા બાદ સવારથી બેફામ ખાબકયો : રસ્તાઓ ઉપર વાહનો તણાયા : નદી - નાળા છલકાયા

લોકમાતા આજીમાં ઘોડાપુર : સતત અનરાધાર વરસાદથી લોકમાતા આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. રામનાથપરા બેઠો  પુલ ડૂબી ગયો હતો અને હાઇલેવલ બ્રીજ સુધી પાણીની સપાટી પહોંચી હતી તે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : રાતથી મેઘરાજાએ તાંડવ શરૂ કરતા રાજકોટ જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે અને છેલ્લા ૩૦ કલાકમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકી જતા સમગ્ર શહેર જાણે બાનમાં આવી ગયું હતું.

ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ ધીમીધારે ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ બપોરના બારેક વાગ્યાની આસપાસ મેઘરાજાએ એકદમ જોર પકડી લીધું હતું. આશરે બે વાગ્યા સુધી એકધારો ચાલુ રહ્યો હતો. બપોર સુધીમાં અઢી ઈંચ પાણી પડી ગયું હતું. બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.

ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ વિજળીના જોરદાર કડાકા- ભડાકાની સાથે એકદમ તૂટી પડયો હતો. વિજળીના કડાકાથી ભરઉંઘમાં સૂતેલા લોકો જાગી ગયા હતા. લગભગ આખી રાત વરસાદનું જોર રહ્યું હતું. આજે વ્હેલી સવારે ૭ વાગ્યાથી ફરી મેઘરાજાએ જમાવટ બોલાવવાનું ચાલુ કરી દીધું હતું. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. ગઈકાલથી એકધારા વરસાદના પગલે શહેરના માર્ગો ઉપર ચોતરફ પાણીની નદીઓ વહી રહી છે. રસ્તાઓ ઉપરથી પાણી વહી રહ્યા છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વ્હેલી સવારે સ્કૂલે અને ઓફિસ, દુકાને જનારાઓને વરસાદના લીધે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તો પાણી ભરાવાના કારણે અનેક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા.

આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે એટલે કે છેલ્લા ૩૦ કલાકમાં એટલે કે ગઇકાલ સવારના ૮ થી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં સમગ્ર શહેર ઉપર ૧૮ ઇંચ પાણી પડી ગયું હતું.

શહેરમાં ગત સવારના ૮ વાગ્યાથી આજ બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજકોટમાં પડેલ વરસાદના ઝોન વાઇઝ આંકડા

ઝોન

મી.મી.માં

ઇંચ

સેન્ટ્રલ

૩૪૧

૧૩.૬૪

વેસ્ટ

૪૫૩

૧૮.૧૨

ઇસ્ટ

૩૬૧

૧૪.૪૪

(3:31 pm IST)