મુખ્ય સમાચાર
News of Friday, 13th November 2020

પુત્રના લગ્ન માટે રજા ન મળતા પોલીસ અધિકારીનું આઘાતથી મોત

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચ્ચેન પોલીસ સ્ટેશનના એસએચઓ પુત્રના લગ્ન માટે રજાઓ ન મળતા તણાવમાં રહેતા હતા. હાર્ટ એટેકથી થયું મોત

ભરતપુર,તા.૧૩:રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચ્ચેન પોલીસ મથકના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)નું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. જણાવાઈ રહ્યું છે કે, એસએચઓને દીકરાના લગ્ન માટે રજાઓ ન મળતા તણાવમાં હતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવી ગયો. જોકે, ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમને કોરોના થયો હતો અને રજા ન મળવાના કારણે મોત થયાની વાત ખોટી છે.

ઉચ્ચેન પોલીસ મથકના એચએસઓ હોંશિયારસિંહના પુત્રની ૧૬ નવેમ્બરે સગાઈ નક્કી કરાઈ હતી. તેના ૯ દિવસ પછી એટલે કે ૨૫ નવેમ્બરે લગ્ન થવાના હતા. સૂત્રો મુજબ, હોંશિયાર સિંહ પોતાના પુત્રની સગાઈ અને લગ્ન માટે રજા માંગી હતી. પરંતુ દિવાળીના તહેવારો હોવાથી તેમની રજા આપવા ઈનકાર કરી દેવાયો હતો. સૂત્રો મુજબ, પોતાના જ પ્રસંગમાં રજા ન મળતા તેઓ તણાવમાં રહેતા હતા.

ગત બુધવારની રાત્રે તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો. તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર બાદ ભરતપુરની આરબીએમ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જયાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેમનું મોત થઈ ગયું. હોશિંયાર સિંહના મોતથી રાજસ્થાન પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

એક તરફ એચએચઓ હોંશિયાર સિંહના મોત માટે પુત્રના લગ્ન માટે રજાઓ ન મળવાને કારણ જણાવાઈ રહ્યું છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, એચએચઓનું મોત કોરોનાના કારણે થયું છે. મૃત્યુ પછી કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનું કહેવું છે કે, રજાઓ ન મળવાની વાત ખોટી છે. તેમનું કહેવું છે કે, ગુર્જર આંદોલનના કારણે પોલીસ કર્મીઓની રજાઓ પર રોક લગાવી દેવાઈ હતી, પરંતુ હવે એવું કંઈ નથી. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, હોંશિયાર સિંહે ૧૪ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધીની રજા માગી હતી, જેને મંજૂરી કરી દેવાઈ હતી.

મૃતક એસએચઓના પુત્રએ પણ જણાવ્યું કે, એક દિવસ પહેલા જ રાત્રે તેમની સાથે વાત થઈ હતી. અવાજ પરથી તેમની તબિયત ખરાબ હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ રજાઓને લઈને કોઈ સમસ્યા હોવા અંગે કોઈ વાત થઈ ન હતી.

જોકે, હોંશિયાર સિંહના સાથી કર્મચારીઓ મુજબ, તેઓ રજાઓ ન મળવાથી તણાવમાં હતા. ગુર્જર આંદોલનને કારણે બધા પોલીસકર્મીઓની રજાઓ કેન્સલ કરી દેવાઈ હતી, જે બાબતને લઈને હોશિંયાર સિંહ પણ તણાવમાં હતા, તેવું તેમના સાથી કર્મચારીઓનું કહેવું હતું.

(9:54 am IST)