મુખ્ય સમાચાર
News of Friday, 13th November 2020

આ મારી છેલ્લી ચૂંટણી છે એવુ હું બોલ્‍યો જ નથી, અંત ભલા તો સબ ભલા એમ બોલ્‍યો હતોઃ નીતિશકુમાર બોલેલુ ફરી ગયા

પટણાઃ નીતિશકુમાર જેડીયુની બેઠકમાં મુખ્ય ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા પછી તેમણે તેમનું વલણ બદલવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે 15 નવેમ્બરની એનડીએની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અંગે નિર્ણય થશે. તેમની આ છેલ્લી ચૂંટણી છે તે અંગેના સવાલના જવાબમાં તેમણે રીતસર ફરી જતા જણાવ્યું હતું કે મેં આવું ક્યારેય કહ્યું નથી.

આ તો મીડિયાએ તેમની વાતને ખોટી રીતે લીધી છે અને રજૂ કરી છે. તેમણે કહ્યું હતું કે મેં કહ્યું હતું કે અંત ભલા તો સબ ભલા. જો તમે મારુ તે ભાષણ પૂરેપૂરું સાંભળો તો તમારી વાત સ્પષ્ટ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે આ વખતે તેમણે મુખ્યપ્રધાન પદનો દાવો કર્યો નથી, બિહારના મુખ્યપ્રધાન પદ અંગેનો નિર્ણય એનડીએની બેઠકમાં થશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં એનડીએમાં ભાજપને સૌથી વધુ 74 બેઠકો મળી છે અને તેના સહયોગી પક્ષ જેડીયુને 43 બેઠકો મળી છે. તેના પગલે ભાજપમાંથી પણ માંગ ઉઠી છે કે આગામી સીએમ બિહારનો હોવો જોઈએ.

પક્ષના જુદા-જુદાં નેતાઓ જુદી-જુદી રીતે આ વાત કહી રહ્યા છે, પરંતુ તેમનો ટોન એક જ છે કે બિહારને હવે ભાજપનો પોતાનો સીએમ મળે તે દિવસ બહુ દૂર નથી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ આપેલા વચનનું પાલન કરવા જતાં બિહારના મુખ્યપ્રધાન તરીકે નીતિશકુમાર બને તો નાયબ મુખ્યપ્રધાન તરીકે સુશીલ મોદી નહીં પરંતુ બીજા કોઈને જ ઉતારવાની તૈયારી ચાલી રહી છે.

આમ જનતા દળ (યુ)ના પ્રમુખે બિહાર વિધાનસભાના પરિણામોની જાહેરાત પછી મીડિયા સાથેની પ્રથમ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ આટલા સમર્પણ સાથે કામ કરતા રહેશે.

ભાવિ મુખ્યપ્રધાન અંગે તેમણે જણાવ્યું હતું કે મેં કોઈ દાવો કર્યો નથી, આ અંગે એનડીએ નિર્ણય લેશે. એનડીએના પાર્ટનર આવતીકાલે તેના અંગે નિર્ણય લેશે. નીતિશકુમાર ગુરુવારે જેડી(યુ)ના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં સરકાર એનડીએની બનશે. લોકોએ આ જ જનાદેશ આપ્યો છે. જોડાણના ભાગીદારો વચ્ચે શુક્રવારે બેઠક છે. એનડીએ બિહાર ચૂંટણીમાં 125 બેઠક જીતી છે. આમ તે બહુમતીના આંકડાથી ત્રણ બેઠક વધારે જીતી છે. જ્યારે મહાગઠબંધન 110 બેઠક સાથે બીજા સ્થાને છે.

(4:47 pm IST)