મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

ગુજરાતમાં દર કલાકે ૩ના મોતઃ દર મિનીટે ૪થી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છેઃ એમ્બ્યુલન્સમાં દમ તોડી રહ્યા છે દર્દીઓ : હોસ્પીટલોમાં કતાર, સ્મશાનમાં મૃતદેહોની કતાર, ઈન્જેકશન લેવા લોકોની કતાર, ટેસ્ટીંગ માટે પણ કતારઃ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ

નવી દિલ્હી, તા. ૧૪ :. ગુજરાતમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે. સ્થિતિ એટલી હદે ભયજનક બની ગઈ છે કે સરકાર ઉંધામાથે થઈ ગઈ છે તો પ્રજાના હાલબેહાલ થઈ ગયા છે. ગુજરાતમાં દર મિનીટે ૪થી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે અને દર કલાકે ૩ લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાત સરકાર અને પ્રશાસન માટે આ માત્ર આંકડો હોઈ શકે છે પરંતુ ગુજરાતમાં દર કલાકે કોઈને કોઈ પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે. ઓકિસજન ન મળવાને કારણે દર્દી શ્વાસ લઈ શકતા નથી, હોસ્પીટલોમાં બેડ ન મળવાથી દર્દીઓને એમ્બ્યુલન્સમાં કલાકો સુધી રહેવાની ફરજ પડે છે એટલુ જ નહિ સ્મશાનો પણ અગ્નિદાહ માટે મૃતદેહોની કતાર લાગી છે.

ગુજરાતમાં કોરોના વાયરસ ફુંફાડા મારી રહ્યો છે અને રોજેરોજ નવા નવા કેસ અને નવા નવા રેકોર્ડબ્રેક મૃત્યુ નોંધાતા જાય છે. રાજ્યમાં ઓકિસજનની ડીમાન્ડ બમણી થઈ ગઈ છે. અગાઉ ડીમાન્ડ અઢીસો ટનની હતી તે હવે ૬૦૦ ટનની થઈ ગઈ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૯૦ નવા દર્દીઓ મળ્યા છે અને ૬૯ લોકોના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર સહિતના શહેરોની સ્થિતિ ચિંતાજનક છે. હવે નાના નાના શહેરોમાંથી પણ કેસો બહાર આવી રહ્યા હોવાનું બહાર આવે છે.

ગુજરાતમાં સ્થિતિ એવી છે કે હોસ્પીટલો હાઉસફુલ થઈ ગઈ છે અને દર્દીઓ માટે વેઈટીંગ છે. એ જ રીતે મૃતદેહોના નિકાલ માટે સ્મશાનોમા પણ વેઈટીંગ છે.

રાજ્યમાં સ્થિતિ એવી છે કે એક સાંધો ત્યાં તેર તૂટે. સરકાર વધુ બેડના દાવા કરી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ છે કે સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. તેમણે કહ્યુ છે કે ૬૦ ટકા કેસ ૮ શહેરોમાંથી જ આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાને હરાવતી રેમડેસિવિર નામની દવાના ઈન્જેકશન માટે ઠેર ઠેર લાઈનો જોવા મળી રહી છે તો બીજી તરફ કોરોનાનું ટેસ્ટીંગ કરાવવા પણ ઠેર ઠેર લાઈનો જોવા મળી રહી છે. એવામાં તાવ અને શરદીએ પણ માથુ ઉંચકતા ખાનગી કલીનિકોમાં પણ દર્દીઓની કતાર જોવા મળી રહી છે.

(11:01 am IST)