મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

પીજી હોસ્ટેલ્સ ઉદ્યોગને અંદાજે ૨૦૦૦ કરોડનું નુકસાન

કોરોના કાળમાં શાળા - કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહેતા પીજી હોસ્ટેલ્સ બિઝનેસ ઠપ્પ થયો

અમદાવાદમાં જ ૫૦૦થી વધુ પીજી હોસ્ટેલ ખાલી : સંચાલકોના ખર્ચા નીકળતા નથી

નવી દિલ્હી તા. ૧૪ : અમદાવાદ, ગુજરાતના મોટા શહેરો અને એજયુકેશનલ હબ હોય તેવા વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા પીજી હોસ્ટેલસ અને આવી જ અન્ય ફાઇવ સ્ટાર જેવી ફેસીલીટીઝ જેમાંઓછામાં ઓછા ૮૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ જેટલા બોયઝ અને ગર્લ્સ અભ્યાસ માટે રહેતા હોય છે પરંતુ છેલ્લા ૧૫ થી ૧૬ મહિનામાં કોરોના વાઇરસને કારણે પોતાના ઘેર જતા રહ્યા છે ત્યારે આ ઉદ્યોગને અંદાજે રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થયાનો અંદાજ છે.

અમદાવાદમાં જ આવા ૫૦૦ જેટલી પીજી હોસ્ટેલ છે અને તે હાલમાં સ્કૂલો, કોલેજો બંધ થઇ જતાં આવી તમામ એકોમોડેશન ખાલી પડી છે અને છતાં સંચાલકોને મ્યુનિસિપાલ ટેક્ષ, લાઇટ બીલ, ગેસ બીલ ભરવું પડે છે અને તેનો એક ફલેટમાં જ ચાલતી પીજી હોસ્ટેલનો ખર્ચ રૂ. ૧૦,૦૦૦થી ૧૫૦૦૦ થાય છે.

પરિસ્થિતિનો લાભ લઇને અમદાવાદના ઘણાં બિલ્ડરોએ અને વ્યાપારીઓએ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ જેટલા હોસ્ટેલ માટેના જ નાના મકાનો બનાવી પીજી હોસ્ટેલો શરૂ કરી હતી પરંતુ આવા ધીકતા ધંધાને કોરોનાનું ગ્રહણ લાગતા તેઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મોટી પીજી ચલાવતા રાકેશ શાહ જેઓ વ્યવસાયે બિલ્ડર છે તેમને ૧૫-૧૬ મહિનામાં તેઓની ૪ પીજી ફેસીલીટીઝ બંધ થઇ જતા એક બે સામે નાની મોટી રેસ્ટોરન્ટ પણ ચલાવતા છતાં બીજી લહેરમાં આ વ્યવસ્થા પણ તુટી પડી છે. તેઓના જણાવ્યા અનુસાર ૨૦૨૧ના વર્ષની શરૂઆતમાં ઘણી ફેસીલીટીઝ ખુલી ગઇ હતી પરંતુ માર્ચ-એપ્રિલમાં બધુ બંધ થઇ ગયું.

જયારે પીજીના જ આવા એક સંચાલક કાર્તિક મોદી અને સી.જી. રોડ પરની બીજી ફેસીલીટીઝ વાળા શૈલ પટેલ પણ ભારે નુકસાન ભોગવી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર ૨૦૨૦માં તેઓને ઘણી ખોટ સહન કરવી પડી છે. જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં ૧૫ ટકા બીઝનેશ શરૂ થયો હતો પરંતુ કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા બધી જ હોસ્ટેલ્સ પુનઃ બંધ થઇ ગઇ છે. કોરોનાના કહેર કુદરત ઘટાડે તો જ શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ થાય અને પ્રાઇવેટ હોસ્ટેલ પણ ખુલી જાય એમ છે.

(11:39 am IST)