મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

ભારત-શ્રીલંકા મન્નારથી સમુદ્રી ખીરાની દાણચોરી

એક સમુદ્ર જીવની કિંમત કિલોના ૨.૫૯ લાખ : વનસ્પતિનો ઉપયોગ કામોત્તેજના વધારતી દવા, કેન્સરની સારવારમાં, તેલ, ક્રીમ, કોસ્મેટિક્સની બનાવટમાં થાય છે

નવી દિલ્હી, તા. ૧૪ : ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી મન્નારની ખાડીમાંથી એક એવો જીવ મળે છે જે ૨.૫૯ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. દક્ષિણ ભારત અને શ્રીલંકાથી તેનો ખૂબ જ શિકાર કરવામાં આવે છે. આ સાથે જ તેનું આંતરરાષ્ટ્રીય સ્તરે સ્મગલિંગ પણ થાય છે જેથી તેની કિંમત સોના જેટલી થઈ ગઈ છે. આ જીવને સમુદ્રી ખીરા કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કામોત્તેજના વધારતી દવાઓ, કેન્સરની સારવારમાં, તેલ, ક્રીમ, કોસ્મેટિક્સની બનાવટમાં થાય છે. તો ચાલો જાણીએ આ જીવની ખાસીયતો અને તેની વસ્તીમાં પૂરઝડપે જે ઘટાડો થઈ રહ્યો છે તેનાથી શું મુશ્કેલી પડશે તેના વિશે...

સમુદ્રી ખીરા એ એચિનડર્મ નામનો જીવ છે અને તેનો આકાર ટ્યુબ જેવો હોય છે. તે કાકડી જેવું દેખાતું હોવાથી તેને સમુદ્રી ખીરા તરીકે ઓળખવામાં આવે છે. તે ખૂબ જ નરમ અને લચીલું હોય છે. સમુદ્રી ઈકોસિસ્ટમમાં આ જીવનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે રેતીમાં દબાયેલા નાના જીવોનું ભક્ષણ કરે છે અને ત્યાર બાદ પોષકતત્વોને રિસાઈકલ કરે છે. તેના મળ દ્વારા દરિયામાં નાઈટ્રોજન, એમોનિયા, કેલ્સિયમ ભળે છે જે કોરલ રીફ્સ માટે ઉપયોગી હોય છે. આ જીવ મનુષ્યની ગતિવિધિઓના કારણે દરિયામાં એસિડનું પ્રમાણ વધે છે તેને પણ ઘટાડે છે.

ચીન સહિત દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશોમાં સમુદ્રી ખીરાની માંગ ખૂબ જ છે. તેઓ તેને રાંધીને ખાય છે અને ચીનની માન્યતા પ્રમાણે કામોત્તેજના વધારતી દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. છેલ્લા ૪૧ વર્ષમાં સમુદ્રી ખીરાની કિંમતમાં ૫૦ ગણો વધારો થયો છે. ૧૯૮૦માં સમુદ્રી ખીરાની કિંમત ૫૧૮૦ રૂપિયા પ્રતિ કિલો જેવી હતી જે હાલ વધીને ૨૦,૭૨૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલીક ખાસ પ્રજાતિના સમુદ્રી ખીરાની કિંમત ૨.૫૯ લાખ રૂપિયા પ્રતિ કિલો જેવી બોલાય છે.

(7:54 pm IST)