મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીને જ રેમડેસિવરની મંજૂરી

કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી : સરકારે હવે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ રેમડિસિવિરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો

નવી દિલ્હી, તા. ૧૪ : કોરોના મહામારીના હાહાકાર વચ્ચે રેમડિસિવર ઈન્જેક્શનની સર્જાયેલી અછત વચ્ચે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

નવા નિયમો પ્રમાણે સરકારે હવે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ રેમડિસિવિરના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારે કહ્યુ છે કે, રેમડિસિવિરનો ઉપયોગ મેડિકલ શોપમાં નહીં થાય. તેનો ઉપયોગ માત્ર હોસ્પિટલમાં એ જ દર્દીઓ પર કરવામાં આવશે જેમને ઓક્સિજનની જરુર પડતી હોય છે. આ ઈન્જેક્શનનો ઘરે પણ ઉપયોગ નહીં થઈ શકે.

મતલબ કે દુકાનો પરથી કોઈ આ ઈન્જેક્શન ખરીદી નહીં શકે. કોવિડના મામલામાં થઈ રહેલા વધારાના કારણે હાલમાં રેમડિસિવરની માંગમાં ભારે વધારો થયો છે. આ સિવાય સરકારે હોસ્પિટલ અને ગંભીર દર્દીઓ સુધી ઈન્જેક્શન પહોંચે તે માટે ઉપરોક્ત નિર્ણય લીધા છે.

સરકારે રેમડિસિવિર બનાવતી ઘરેલુ કંપનીઓે કહ્યુ છે કે, દવાના સ્ટોક, ડિટેલ અને ડિસ્ટ્રિબ્યુટરને લગતી જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે. જો કોઈ કંપની કે ડિસ્ટ્રિબ્યુટર છેતરપિંડી કરતા પકડાશે તો તેમના પર કાર્યવાહી થશે.

સરકારનુ કહેવુ છે કે, આવનારા દિવસોમાં તેની માંગમાં હજી વધારો થવાનો છે. જેના કારણે ઈન્જેક્શન પર પ્રતિબંધ મુકવો જરુરી છે.

(8:01 pm IST)