મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કળિયુગનો શ્રવણ : સગી જનેતાને મારી નાખી પોલીસ સ્ટેશનમાં હાજર થયો : ઇન્ડિયન અમેરિકન યુવાન 28 વર્ષીય પુષ્કર શર્માની ધરપકડ

ન્યુયોર્ક : કળિયુગના શ્રવણ કેવા હોય છે તેનો જીવતો જાગતો દાખલો અમેરિકાના ન્યુયોર્કમાં જોવા મળ્યો છે.જે મુજબ ઇન્ડિયન અમેરિકન યુવાન 28 વર્ષીય પુષ્કર શર્માએ 8 મે ના રોજ કવીન્સ ખાતેના પોતાના નિવાસ સ્થાને સગી  જનેતાને મારી નાખી હતી.  અને બાદમાં કબૂલાત કરવા પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ  પુષ્કર શર્માના કપડા પર લોહી હતું, જ્યારે તેણે 8 મેના રોજ સવારે 8:30 વાગ્યે 105 , પ્રેસિન્ટ સ્ટેશન હાઉસ ખાતે અધિકારીઓને કહ્યું કે તેણે તેની માતાની હત્યા કરી નાખી છે.તે જ સમયે ઇમર્જન્સી મેડિકલ સર્વિસના કાર્યકરો 65 વર્ષીય સરોજ શર્માનો  જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા.

સરોજ શર્માને  ચહેરા અને ગળાના ભાગે ઇજા પહોંચી  હતી, એમ પોલીસે જણાવ્યું હતું. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. હત્યા અને જાતીય શોષણના આરોપસર  પુષ્કર શર્માની ધરપકડ કરવામાં આવી હતી. જાતીય દુર્વ્યવહારના ચાર્જની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

જો પુષ્કર શર્માને દોષિત  ઠેરવવામાં આવશે તો તેને વધુમાં વધુ 25 વર્ષની જેલની સજા થશે. ન્યુ યોર્ક રાજ્યમાં મૃત્યુ દંડ નથી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:20 am IST)