મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

આજે અખાત્રીજના શુભ અવસરને કોરોનાનું ગ્રહણ

હજારો લગ્નો કેન્સલ થતા કરોડોનો વેપાર ઠપ્પ

મંડપ-હોટલ-કેટરર્સ-વીડીયો-ફોટોગ્રાફર-ઇવેન્ટ મેનેજમેન્ટ-ડેકોરેશન-ફુલ રેસ્ટોરન્ટ-તૈયાર કપડા-બેન્ડવાજા પ્રવાસનના ધંધાને માઠી અસર

નવી દિલ્હી, તા.૧૪: સનાતન હિંદુ પરંપરામાં ત્રણ દિવસો એવા છે જેમાં કોઇ શુભ કાર્ય માટે મુરત જોવાની જરૂર નથી પડતી. આ ત્રણ દિવસો છે અષાઢી બીજ, વિજયા દશમી અને અખાત્રીજ. આ ત્રણે દિવસો એવા છે જેમાં તમે કોઇ પણ શુભ કામ કરી શકો છો. પણ આ વખતે કોરોનાએ ૧૪મે એ આવતી અખાત્રીજ પર પણ બહુ ખરાબ અસર કરી છે. આ વખતે અખાત્રીજે લગ્ન કરનારા લગભગ બધા લોકોએ લગ્ન કેન્સલ કર્યા છે.

કોરોનાએ દરેક ધંધાની કમર તોડી નાખી છે. તેના કારણે બેન્કવેટ હોલ, પાર્ટીપ્લોટના માલિકોને પણ મોટો ફટકો પડયો છે. તપાસ કરતા જાણવા મળ્યું કે જે લગ્નો પહેલાથી નક્કી કરવાામં આવ્યા હતા તેમાંથી લગભગ બધા લગ્નો કેન્સલ થઇ ગયા અને લગ્ન સાથે સંકળાયેલા ધંધાઓને કરોડો રૂપિયાનો ધૂંબો લાગ્યો છે.

યુપીના મેરઠમાં બેન્કવેટ હોલ એ પાર્ટી પ્લોટો ખાલી પડયા છે. ફકત મેરઠમાં જ ૩૦૦ રજીસ્ટર્ડ બેન્કવેટ હોલ છે અને ૫૦૦ હોલ એવા છે જે રજીસ્ટર્ડ નથી. સામાન્ય રીતે અહીં અખાત્રીજના દિવસે એટલા લગ્નો થતા કે બેન્કવેટ હોલમાં લગ્ન શીફટ અનુસાર કરવા પડતા પણ આ વખતે આ હોલ ખાલીખમ પડયા છે.

વારાણસીના પ્રસિધ્ધ જયોતિષાચાર્ય પંડિત દીપક માલવીયાએ જણાવ્યું કે અક્ષયતૃતિયા પર્વ સાથે એ માન્યતા જોડાયેલી છે આ દિવસે કરાયેલ દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. આ વખતે અક્ષયતૃતિયા પર ગ્રહોનો સંયોગ વધુ સારો છે. આ દિવસે કન્યાદાનનું ફળ અદભૂત હોય છે. અક્ષયતૃતિયા પર મુરત ન જોવડાવ્યું હોય તેવા લોકો પણ લગ્ન કરી શકે છે. આ દિવસે મકાનનો શિલાન્યાસ, ગુહપ્રવેશ, કંપનીને શુભારંભ, કોન્ટ્રાકટ અને નિર્માણ કાર્યની શરૂઆત પણ શુભ માનવામાં આવે છે.

પણ કોરોના વાયરસે અક્ષયતૃતિયા પર પણ પોતાનો કાળમુખો પંજો ફેલાવ્યો છે. વારાણસીમાં દર વર્ષે અખાત્રીજે ૪૦૦ થી ૫૦૦ લગ્નો થતા હતા પણ કોરોના ડરીને લોકોએ બધા લગ્નો કેન્સલ કર્યા છે. હવે લોકો નવેમ્બર, ડીસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મુરત કઢાવી રહયા છે.

તો ગોરખપુરના એક ગામડામાં લગ્ન કરાવવા આવેલ મહારાજે કહયું કે આ વખતે મારી ઓળખાણવાળા લોકોમાં ૨૦ લગ્ન હતા જેમાંથી ૧૮ કેન્સલ થઇ ગયા છે. ફકત બે લગ્નો જ રહી ગયા છે અને તેમાં પણ મર્યાદિત લોકોને જ સામેલ કરાઇ રહયા છે. બેન્કવેટ હોલના એક માલિકે જણાવ્યું કે અમારા હોલના જેટલા બુકીંગ હતા તે બધા કેન્સલ થઇ ગયા છે. મોટા ભાગના લોકો લગ્નમાં સામેલ લોકોની સંખ્યા પર મર્યાદા હોવાના કારણે ઘરમાં જ લગ્ન સમારંભ કરી નાખે છે. મોટા ભાગના લગ્નો કેન્સલ થઇ ગયા છે અને લોકો સારા સમયની રાહ જોઇ રહયા છે.

(10:59 am IST)