મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કોરોનાની સુનામીએ મોદીની પ્રતિષ્ઠા-કદ ઘટાડયું

બ્રિટનના 'ફાયાન્સીયલ ટાઈમ્સ'નો સનસનીખેજ અહેવાલઃ મોટાભાગના ભારતીયોને લાગે છે કે તેમના નેતાએ બીજી લહેરના સંકેતોને અવગણ્યાઃ વધતા સંકટ વચ્ચે લોકોને રામભરોસે મુકી દીધા : બેડ-ઓકસીજન-દવા-રસી માટે લોકોની પરેશાનીઃ લોકોના ગુસ્સાએ મજબૂત નેતાના કવચમાં દરાર પાડીઃ મોદીના નોકરી પેદા કરતા આર્થિક વિકાસના વચનો, પ્રશાસનિક ક્ષમતા વધારવા અને વિશ્વમાં ભારતના કદને વધારવાના વચનો હજુ પણ અપૂર્ણ જ છે : મોદીની લોકપ્રિયતા હજુ પણ યથાવતઃ ૬૫ ટકાથી વધુ લોકો મોદીની કામગીરીને વખાણે છેઃ માત્ર ૨૯ ટકા જ વિરોધમાં

નવી દિલ્હી, તા. ૧૪ :. ભારતમાં કોરોના વાયરસની મહામારીની બીજી લહેરનો પ્રકોપ જારી છે. આ દરમિયાન વિપક્ષો લગાતાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે. ખાસ કરીને પહેલેથી તૈયારી ન કરવાની બાબતમાં. અનેક વિદેશી મિડીયા પણ ભારતના કોરોના સંકટ માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી ચૂકયા છે. હવે બ્રિટનના અખબાર ફાયનાન્સીયલ ટાઈમ્સે પણ કોરોનાને નિપટવાની મોદી સરકારની તૈયારીઓની ટીકા કરી છે. અખબારે હાલમાં જ ૨૩૦૦ શબ્દોનો લેખ પ્રકાશિત કર્યો છે તેનુ હેન્ડીંગ છે 'કેવી રીતે ભારતના કોરોનાના સંકટે નરેન્દ્ર મોદીને નાના કરી દીધા'.

ફાયનાન્સીયલ ટાઈમ્સે આગળ લખ્યુ છે કે અનેક ભારતીયોને હવે લાગે છે કે તેમના નેતાએ બીજી લહેરના સંકેતોને નજરઅંદાજ કરેલ છે અને વધી રહેલા સંકટ વચ્ચે લોકોને વચમાં જ છોડી દીધા છે. ભારતના ભવિષ્યને લઈને ફાયનાન્સીયલ ટાઈમ્સે લખ્યુ છે કે પ્રાદેશિક પક્ષોનો આત્મવિશ્વાસ પ.બંગાળની સત્તારૂઢ મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિજય બાદથી વધી ગયો છે. જેમણે હાલમાં જ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ચૂંટણી મશીનરીનો પુરી તાકાતથી સામનો કર્યો હતો.

અખબારે ભારતમાં કોરોના સંકટ વચ્ચે પરેશાનીનો સામનો કરી રહેલા લોકો સાથેની વાતચીતને પણ પ્રસિદ્ધ કરી છે. હાલમાં જ પોતાના પિતાને ગુમાવનાર એક મહિલા અનાર્યાનંુ વર્જન પણ છાપ્યુ છે. તેણીએ અખબારને જણાવ્યુ હતુ કે સામાન્ય માણસનુ કામ નથી કે દવા શોધી શકે, ઓકસીજન શોધી શકે કે હોસ્પીટલ-હોસ્પીટલ જઈને આઈસીયુ બેડ શોધવાનું કામ કરે. આવુ થવુ ન જોઈએ, અમારૂ કામ ટેકસ ભરવાનું છે. એ સરકારનું કામ છે કે અમને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. સરકારની આ આપરાધીક લાપરવાહી છે.

અખબારે અનેક ભારતીયો સાથે થયેલી વાતચીતને પણ જગ્યા આપી છે. જેમા જણાવાયુ છે કે માત્ર કેટલાક લોકોનું જ આવુ કહેવુ નથી પરંતુ શહેરી ભારતમાં એક નાગરીક કોરોનાનો સામનો કરી રહેલા પોતાના નજીકના સગાસંબંધી માટે મેડીકલ સેવા મેળવવા ઝઝુમી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની ખતરનાક લહેર વચ્ચે રસીની અછતે પણ સમસ્યાને વધારી દીધી છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે, આ ગુસ્સો એક એવા મજબૂત નેતાના કવચમાં પહેલીવાર દરાર તરીકે ઉપસેલ છે કે જેઓ થોડા સપ્તાહ પહેલા રાજકીય રીતે અપરાજીત જણાતા હતા. નરેન્દ્ર મોદી જેઓ કે દાયકા બાદ ભારતના સૌથી તાકાતવર અને સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા હતા. અખબારે લખ્યુ છે કે મોદી હવે ટૂંકી છબીવાળા જણાય રહ્યા છે જેઓ આઝાદી બાદની અત્યાર સુધીની સૌથી મોટી કટોકટી દરમિયાન દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના નોકરી પેદા કરતા આર્થિક વિકાસના વચનો, પ્રશાસનિક ક્ષમતા વધારવા અને વિશ્વમા ભારતનુ કદ વધારવાના વચનો હજુ પણ અપૂર્ણ છે.

ફાયનાન્સીયલ ટાઈમ્સ ઉમેરે છે કે મોદી સરકારના મહામારી મેનેજમેન્ટ સામે હવે લોકો આકરા સવાલો ઉઠાવતા થયા છે. બીજી લહેર દરમિયાન સરકારની આવડત છતી થઈ છે.

જો કે ફાયનાન્સીયલ ટાઈમ્સ સ્વીકારે છે કે મોદી હજુ લોકપ્રિય છે. દેશના ૬૫ ટકાથી વધુ ભારતીયો હજુ મોદીની કામગીરીને મંજુરી આપે છે - વખાણે છે. માત્ર ૨૯ ટકા જ સરકારને દોષિત ઠેરવે છે. મોટાભાગના વિશ્લેષકો હજુ માને છે કે મોદી હાલની કટોકટીમાંથી બહાર આવી જશે. તેઓ પોતાની રાજકીય આવડતથી અને વિપક્ષોની નબળાઈનો લાભ લઈ મતદારોને ભવિષ્યમાં આકર્ષી શકશે.

(11:01 am IST)