મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

ઓસ્ટ્રેલિયામાં અચાનક પડવા લાગ્યા જીવતા અને મરેલા ઉંદર : લોકો થયા ચકિત

મેલબોર્ન તા. ૧૪ : ઓસ્ટ્રેલિયામાં ઉંદર પડી રહ્યા હોય તેવા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોને ડરમાં મુકી દીધા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક ખેતરમાં અનાજ રાખવાના ગોદામ સાફ કરવામાં આવી રહ્યા છે. આ ગોદામના પંપથી જીવતા અને મરેલા ઉંદર બહાર આવી રહ્યા છે. પડી રહેલા ઉંદરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ડરી ગયા છે. કારણ કે હાલના દિવસોમાં ઇઝરાયેલમાં પ્લેગના ઘણા કેસ સામે આવ્યા છે.

ટીવી ચેનલ એબીસીની પત્રકાર લૂસી ઠાકરેએ ઉંદરના પડવાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મોટી માત્રામાં ઉંદરો અનાજ સાથે પડી રહ્યા હતા. હાલત એવી થઇ ગઈ હતી કે ઉંદરનો ઢગલો થઇ ગયો હતો. આ દરમિયાન ઘણા ઉંદરો ભાગવામાં સફળ રહ્યા હતા. ઘણા ઉંદરો મરેલા ઉંદરોની નીચે આવી ગયા હતા.

ટ્વિટર પર શેર કરેલા વીડિયો પર અત્યાર સુધી મોટી સંખ્યામાં કોમેન્ટ આવી છે. લૂસીએ લખ્યું કે ગોદામની અંદર અનાજ ભરેલા હતા છતા તેની અંદર ઉંદરો કેવી રીતે ઘુસી ગયા. આ વીડિયોને જોઈને લોકો ડરી ગયા છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે મેં આખા વર્ષે જે ચીજો જોઇ તેમાં આ સૌથી ખરાબ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે મેં બિલાડી અને કુતરાના વરસાદ વિશે સાંભળ્યું છે પણ ઉંદરોનો વરસાદ વિશે કયારેય સાંભળ્યું નથી.

દેશમાં પ્લેગના ખતરાને જોતા ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર ઉંદરોને ખતમ કરવા માટે કામ કરે. દુષ્કાળનો માર સહન કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને આશા હતી કે વરસાદ પછી તેમની કમાણી થશે પણ ઉંદરોએ તેમના સપના પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય પેકેજની માંગણી કરી રહ્યા છે.

(12:57 pm IST)