મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત જીલ્લાઓના કલેકટર સાથે સીધી વાતનાં વડાપ્રધાનના નિર્ણયથી વિરોધઃ ચૂંટાયેલ સરકારોને અવગણીને અધિકારી રાજ સ્થાપવા મથી રહ્યાનો બિન ભાજપ મુખ્યમંત્રીઓ દ્વારા આક્ષેપો

નવી દિલ્હી તા. ૧૪ : કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ એટલે કે કલેક્ટર્સ સાથે સીધી વાત કરવાના નરેન્દ્ર મોદીના નિર્ણયે વિવાદ ખડો કરી દીધો છે. મોદી ચૂંટાયેલી સરકારોને અવગણીને અધિકારી રાજ સ્થાપવા મથી રહ્યા હોવાના આક્ષેપો બિન ભાજપ મુખ્યમંત્રીઓ દ્વારા શરૂ થઈ ગયા છે.

મોદી ૨૦ મેએ ૧૦ રાજ્યોના ૫૪ કલેક્ટર્સ સાથે વાત કરીને કોરોનાની સ્થિતી અંગે રીપોર્ટ લેશે અને કોરોના સામે લડવા માટે લેવાયેલાં પગલાંની સમીક્ષા કરશે. કોરોના મેનેજમેન્ટ માટે મોદીએ બનાવેલી એમ્પાવર્ડ કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજરી આપશે. આ સભ્યો કલેક્ટરોને કોરોનાને કાબૂમાં લેવા માટે શું પગલાં ભરવાં તેનું માર્ગદર્શન આપશે.

બંધારણીય નિષ્ણાતોના મતે, રાજ્યો કોરોના સામે લડવામાં નિષ્ફળ ગયાં હોવાનું લાગતું હોય તો મોદી મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દે વાત કરી શકે ને તેમની પાસે જવાબ માગી શકે પણ સીધા કલેક્ટર કક્ષાના અધિકારી સાથે વાત કરીને મોદી રાજ્યોના અધિકાર છિનવી રહ્યા છે. મોદીનો નિર્ણય ફેડરલ સિસ્ટમનો ભંગ અને રાજ્યોની ચૂંટાયેલી સરકારોના અધિકાર પર તરાપ સમાન છે.

(5:45 pm IST)