મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

રમજાનના પવિત્ર મહિનામાં આજે અફઘાનિસ્તાનની મસ્જિદમાં તાલિબાનોએ વિસ્ફોટો કર્યા: ઈમામ સહિત ૧૨ મૃત્યુ, ૧૫ ઘાયલ

રમજાનના પવિત્ર મહિના દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની હિંસા ચાલુ છે.  ઉત્તર કાબુલમાં શુક્રવારની નમાઝ દરમિયાન આજે મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ૧૨ નમાઝીઓ માર્યા ગયા હતા.  કાબુલ પોલીસના પ્રવક્તા ફિરદાવાસ ફારમાર્ઝે જણાવ્યું હતું કે આ હુમલામાં મસ્જિદના ઇમામ મુફ્તી નૈમનનું પણ મોત નીપજ્યું હતું. અન્ય ૧૫ લોકો ઘાયલ થયા હતા.   નમાઝ શરૂ થતાં જ બ્લાસ્ટ થયો હતો.  હજુ સુધી કોઈએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. પણ એમાં મને નિશાન બનાવાયા હોવાનું મનાય છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટામાં  એક સગીર સહિત ત્રણ મૃતદેહો મસ્જિદમાં લોહીથી લથપથ જોવા મળે છે.  આ વિસ્ફોટ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાલિબાન અને અફઘાન સરકારે ઇદ-ઉલ-ફિત્રને પગલે ત્રણ દિવસની યુદ્ધવિરામની ઘોષણા કરી છે.  અફઘાનિસ્તાનમાં રમઝાન મહિના દરમિયાન આતંકી હુમલામાં ૨૫૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.  ભૂતકાળમાં ઇદને ધ્યાનમાં રાખીને તાલિબાન દ્વારા ત્રણ દિવસીય યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ હિંસાની ઘટનાઓ ચાલુ રહેલ છે.

(6:11 pm IST)