મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

યુએસમાં વેક્સિન માટે લોકોને પ્રોત્સાહિત કરવા અનેક ઓફર

વેક્સિનનું મહત્વ સમગ્ર વિશ્વને સમજાઈ ગયું : વેક્સિન મુકાવવા બદલ યુએસમાં બેઝબોલ મેચની ટિકિટો, બીયર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંજા સુધીના પ્રલોભનો અપાયા

નવી દિલ્હી, તા. ૧૪ : કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનુ મહત્વ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશનો સમજમાં આવી ગયું છે અને હવે લોકોને વેક્સીન મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં એક તરફ સરકાર અને સેલિબ્રિટિઝ લોકોને વેક્સીન મુકાવવા માટે અપીલ કરી રહ્યા છે તો અમેરિકામાં પણ ઘણા લોકો વેક્સીન મુકાવતા ખચકાઈ રહ્યા છે અને તેમને અલગ અલગ શહેરો અને રાજ્યોમાં પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે.

જાણીને નવાઈ લાગે પણ વેક્સીન મુકાવવા બદલ અમેરિકામાં બેઝબોલ મેચની ટિકિટો, બીયર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંજા સુધીના પ્રલોભનો આપવામાં આવે છે. હવે અમેરિકાનુ એક રાજ્ય તેમાં પણ બે ડગલા આગળ વધી ગયુ છે. અમેરિકાના ઓહાયો રાજયના ગર્વનર માઈક ડ્વીને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, ૨૬ મેથી કોરોના વેક્સીન માટે લોટરી સ્કીમ શરુ કરવામાં આવશે. જેમણે ઓછામાં ઓછી એક વખત વેક્સીન લીધી છે તે તમામ લોકો આ લોટરી મેળવવા માટે હકદાર હશે.દર બુધવારે ડ્રો કરવામાં આવશે અને દરેક વખતે વિજેતા વ્યક્તિને ૧૦ લાખનુ ઈનામ આપવામાં આવશે. આ પ્રકારના ડ્રો પાંચ સપ્તાહ સુધી ચાલશે.લોટરીની રકમ કોરોના રિલિફ ફંડમાંથી ચુકવવામાં આવશે.

ઓહાયો શહેરની વાત કરવામાં આવે તો અહીંયા ૧.૧૦ કરોડ લોકો રહે છે અને અત્યાર સુધીમાં ૯૦ લાખ લોકો વેક્સીન મુકાવી ચુકયા છે.

અન્ય રાજ્યો પણ લોકોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે.વેસ્ટ વર્જિનિયાના ગર્વનર જિમ જસ્ટિસે ગયા મહિને કહ્યુ હતુ કે, ૩૫ વર્ષથી ઓછી વયના લોકો વેક્સીન લગાવે છે તો તેમને ૧૦૦ ડોલરનુ સેવિંગ્સ બોન્ડ અપાશે.આ સિવાય જ્યોર્જિયાના તંત્રે કહ્યુ હતુ કે, લોકો વેક્સીનનો એક ડોઝ પણ મુકાવશે તો તે વોલમાર્ટના ૨૦૦ ડોલરના ગિફટ વાઉચર માટે એપ્લાય કરી શકશે.

અમેરિકામાં મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં ૧૫ કરોડ જેટલા લોકો વેક્સીન મુકાવી ચુક્યા છે.અમેરિકાની ૫૩ ટકા વસ્તી ઓછામાં ઓછો વેક્સીનનો એક ડોઝ લઈ ચુકી છે.

(9:12 pm IST)