મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

અમેરિકામાં નવો રાજકીય સળવળાટ :ટ્રમ્પના વિરોધી ૧૦૦ રિપબ્લિકન નેતાઓની નવો પક્ષ બનાવવા તૈયારી

ટ્રમ્પના સમર્થક સીનિયર નેતાઓ અવગણના કરતા હોવાની ફરિયાદ: નીચલા ગૃહમાં રિપબ્લિકન કોક્સના અધ્યક્ષપદેથી લિઝ ચેનીની હકાલપટ્ટી થયા પછી પક્ષમાં બે

વૉશિંગ્ટન :અમેરિકાની ૧૬૭ વર્ષ જૂની રિપબ્લિક પાર્ટીમાં ફાટા પડી ગયા છે. ટ્રમ્પના વિરોધી ૧૦૦ જેટલાં રિપબ્લિકન નેતાઓએ બીજો પક્ષ બનાવવાની તૈયારી શરૂ કરી છે. . ટ્રમ્પના સમર્થક સીનિયર નેતાઓ અવગણના કરતા હોવાની ફરિયાદ ૧૦૦ જેટલાં નેતાઓ પક્ષના હાઈકમાન્ડને કરશે.

૧૮૫૪માં અસ્તિત્વમાં આવેલી રિપબ્લિક પાર્ટીમાં ભંગાણ પડયું છે. એ ભંગાણનું કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પની કટ્ટરવાદી નીતિ. ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હોવા છતાં ઘણાં સીનિયર રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પની કટ્ટર રાષ્ટ્રવાદી નીતિનું સમર્થન કરે છે. ટ્રમ્પીઝમને પક્ષની વિચારધારા સાથે જોડવાનું કેટલાય સીનિયર નેતાઓએ શરૃ કર્યું છે. અમેરિકન ફર્સ્ટ અને મેક અમેરિકા ગ્રેટ અગેઈન જેવી ટ્રમ્પની નીતિને રિપબ્લિકન પાર્ટીની સીનિયર નેતાગીરી છોડવા તૈયાર નથી.

આવી સ્થિતિમાં પક્ષમાં બળવો શરૃ થયો છે. લિબરલ નેતાઓની ભારે અવગણના શરૃ કરવામાં આવી છે. નીચલા ગૃહમાં રિપબ્લિકન કોક્સના અધ્યક્ષપદેથી લિઝ ચેનીની હકાલપટ્ટી થયા પછી પક્ષમાં બે ફાટા પડી ગયા છે. લિઝ ચેની જાહેરમાં ટ્રમ્પની ટીકા કરી ચૂક્યા છે અને ટ્રમ્પની કટ્ટરવાદી વિચારધારાનો પહેલેેથી વિરોધ કરે છે. એના કારણે તેમની હકાલપટ્ટી થઈ છે. લિઝ ચેની અમેરિકાના પૂર્વ ઉપપ્રમુખ ડિક ચેનીનાં દીકરી છે.
લિઝ ચેનીને પદ પરથી હટાવ્યા પછી ૧૦૦ જેટલાં લિબરલ રિપબ્લિકન્સ એકજૂટ થયા છે અને પાર્ટીના હાઈકમાન્ડને રજૂઆત કરવાની તૈયારી આરંભી દીધી છે. પત્ર લખીને હાઈકમાન્ડને રજૂઆત કર્યા પછી ૧૦૦ જેટલાં રિપબ્લિકન નેતાઓ નવો પક્ષ બનાવે તેવી શક્યતા છે.

(12:41 am IST)