મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં ધડાકો: 4 લોકોના કરૂણમોત : 20 મુસાફરો દાઝ્યા: 3ની હાલત ગંભીર

બસ કટરાથી 1.5 કિમી દૂર ખરમાલ પાસે પહોંચી જ્યારે બસના એન્જીનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો

જમ્મુમાં એક મોટો અકસ્માત થયો છે,કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં ધડાકો થયા બાદ આગ લાગી. આ અકસ્માત થયો ત્યારે બસમાં 24 મુસાફરો હતા, જેમાંથી 4 લોકોના મોત થયા છે. આગને કારણે 20 મુસાફરો દાઝી ગયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

   ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ અને ગંભીર રીતે સળગેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. બસમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ મળી નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર JK 14-1831માં આગ લાગી હતી.

મુસાફરોએ જણાવ્યું કે બસ કટરાથી 1.5 કિમી દૂર ખરમાલ પાસે પહોંચી હતી, જ્યારે બસમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. બસના એન્જીનમાં આ વિસ્ફોટ સંભળાયો, ત્યારબાદ આખી બસમાં આગ લાગી ગઈ. આખી બસમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

(10:06 am IST)